નાણાકીય વર્ષ 2025-26 (એસેસમેન્ટ યર 2026-27) માટે કેન્દ્ર સરકારે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલિંગના કેલેન્ડરમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. નવા નિયમો મુજબ નોકરીયાત કર્મચારીઓ, પેન્શનર્સ અને કેપિટલ ગેઈન ધરાવતા ટેક્સપેયર્સ માટે અગાઉની જેમ જ 31 જુલાઈ, 2026 સુધી ITR-1 અને ITR-2 ફાઈલ કરવાની સમયમર્યાદા યથાવત રાખવામાં આવી છે. જોકે, ટેક્સ ઓડિટ લાગુ ન પડતા નાના વેપારીઓ, ફ્રીલાન્સર્સ અને પ્રોફેશનલ્સને મોટી રાહત આપવામાં આવી છે.


આ વેપારીઓને મળશે રાહત?

ITR-3 અને ITR-4 ભરતા એવા ટેક્સપેયર્સ જેમને ટેક્સ ઓડિટની જરૂર નથી, તેઓ હવે 31 જુલાઈના બદલે 31 ઓગસ્ટ, 2026 સુધી પોતાનું રિટર્ન દાખલ કરી શકશે. ફ્રીલાન્સર્સ અને નાના વ્યવસાયકારો માટે હિસાબો અને બેલેન્સ શીટ તૈયાર કરવામાં વધુ સમય લાગતો હોવાથી આ એક મહિનાની વધારાની મુદત તેમને ઉપયોગી બનશે. સરકારે રિવાઈઝ્ડ રિટર્ન દાખલ કરવાની સમયમર્યાદામાં પણ વધારો કર્યો છે. અગાઉ રિટર્નમાં થયેલી ભૂલો સુધારવા માટે એસેસમેન્ટ યરના 31 ડિસેમ્બર સુધીનો સમય મળતો હતો. હવે આ મર્યાદા વધારીને 31 માર્ચ, 2027 કરવામાં આવી છે. એટલે કે જો 80C હેઠળની કપાતનો દાવો છૂટી ગયો હોય અથવા એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS)માં કોઈ ગેરરીતિ જોવા મળે તો તેને સુધારવા માટે ટેક્સપેયર્સને વધુ ત્રણ મહિનાનો સમય મળશે.

ટેક્સપેયર્સને વધુ ત્રણ મહિનાનો સમય મળશે

નવી સમયમર્યાદા મુજબ ટેક્સ ઓડિટ લાગુ પડતા ITR-3 અને ITR-4 કેસ માટે છેલ્લી તારીખ 31 ઓક્ટોબર, 2026 રહેશે, જ્યારે ટ્રાન્સફર પ્રાઈસિંગ રિપોર્ટ ધરાવતા વ્યવસાયો માટે 30 નવેમ્બર, 2026 સુધી રિટર્ન ફાઈલ કરી શકાશે. મોડું રિટર્ન એટલે કે બિલેટેડ રિટર્ન 31 ડિસેમ્બર, 2026 સુધી અને અપડેટેડ રિટર્ન (ITR-U) 31 માર્ચ, 2031 સુધી દાખલ કરવાની જોગવાઈ રાખવામાં આવી છે. નવા કેલેન્ડરથી ખાસ કરીને નાના વેપારીઓ અને પ્રોફેશનલ્સને વધુ સુવિધા મળશે.

આ પણ વાંચો : Investment Tips: ઘર ખરીદવું કે SIPમાં રોકાણ કરવું? કરોડપતિ બનવાનો સૌથી સુરક્ષિત રસ્તો કયો છે અને તમારા પૈસા ક્યાં ઝડપથી વધશે?


  • Follow us on: