વેનેઝુએલામાં આવેલા બે શક્તિશાળી ભૂકંપે સમગ્ર દેશમાં ભારે તબાહી મચાવી દીધી છે. ભૂકંપના જોરદાર આંચકાઓને કારણે રાજધાની કારાકાસ સહિત દેશના અનેક મોટા શહેરો ધ્રૂજી ઉઠ્યા હતા અને હજારો ઇમારતો જોતજોતામાં મલબામાં ફેરવાઈ ગઈ છે. આ ભયાનક કુદરતી આપત્તિ પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ જણાવ્યું છે કે સંકટની આ ઘડીમાં ભારત વેનેઝુએલાની પડખે ઊભું છે અને દરેક સંભવિત મદદ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
નરેન્દ્ર મોદીની સોશિયલ મીડિયા પર પોસ્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, "ભારત વતી, હું વેનેઝુએલાની સરકાર અને ત્યાંના લોકો, ખાસ કરીને પોતાના સ્વજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. અમે ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરીએ છીએ. આ મુશ્કેલ સમયમાં ભારત તમામ પ્રભાવિત લોકો સાથે એકતાથી ઊભું છે અને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે તત્પર છે."
દેશમાં ઈમરજન્સી જાહેર
સીએનએન (CNN) ના અહેવાલ મુજબ, વેનેઝુએલાના કાર્યવાહક રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝે બુધવારે આવેલા આ બે વિનાશક ભૂકંપ બાદ દેશમાં કટોકટી (ઇમરજન્સી) ની જાહેરાત કરી દીધી છે. રાષ્ટ્રપતિએ આપત્તિમાં થયેલા જાનમાલના નુકસાનની પુષ્ટિ કરી છે અને પ્રભાવિત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જોકે, સત્તાવાર રીતે હજુ સુધી મૃતકોનો ચોક્કસ આંકડો જાહેર કરવામાં આવ્યો નથી.
મોટા પાયે જાનહાનિ થવાની આશંકા
બીજી તરફ, યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) એ જે અંદાજ લગાવ્યો છે તે અત્યંત ડરામણો છે. USGS ના પ્રારંભિક રિપોર્ટ અનુસાર, આ આપત્તિમાં મોટા પાયે જાનહાનિ થવાની આશંકા છે અને મૃત્યુઆંક 10,000 થી લઈને 1,00,000 ની વચ્ચે પહોંચી શકે છે. હાલમાં કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે અને સેંકડો લોકો હજુ પણ ગુમ હોવાનું કહેવાય છે, જેથી આગામી દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
આ પણ વાંચો:Earthquake : 21મી સદીના 10 સૌથી ભયાનક ભૂકંપ, જેણે પલભરમાં દુનિયા ધ્રુજાવી દીધી અને લાખો જિંદગીઓ હોમી દીધી..!