21 જૂનના રોજ12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની આગેવાનીમાં સમગ્ર દેશ યોગમય બનવા જઈ રહ્યો છે, તો બીજી તરફ વિવાદોના વંટોળ વચ્ચે દેશભરના લાખો વિદ્યાર્થીઓ લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે NEET UG ની પુનઃપરીક્ષા આપશે. કુદરતની દ્રષ્ટિએ વર્ષના આ સૌથી લાંબા દિવસે એક બાજુ હવામાન વિભાગે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે, તો બીજી બાજુ આ જ દિવસે 'ફાધર્સ ડે' અને 'વિશ્વ સંગીત દિવસ'ની વૈશ્વિક ઉજવણી પણ થવાની છે. 


PM મોદી કોલકાતામાં અને અમિત શાહ અમદાવાદમાં કરશે યોગ

21 જૂને 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશ અને દુનિયાભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના કોલકાતામાં રેડ રોડ પર સવારે 6:30 કલાકે યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે અને દેશને સંબોધિત કરશે. બીજી તરફ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે 6:30 કલાકે અમદાવાદના પ્રહલાદનગર ખાતે આયોજિત યોગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

વડાપ્રધાન મોદી કોલકાતા પોર્ટ પર જહાજો દેશને સમર્પિત કરશે

કોલકાતામાં યોગ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 9:15 કલાકે શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટની મુલાકાત લેશે. ત્યાં તેઓ સંપૂર્ણ સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્મિત ત્રણ ભારતીય નૌકા જહાજો – INS દુનાગિરી, INS સંશોધક અને INS અગ્રયને સત્તાવાર રીતે નેવીમાં સામેલ કરશે અને સભાને સંબોધશે.

અમેરિકા અને ઈરાન વચ્ચે સ્વિટ્ઝર્લેન્ડમાં રવિવારે યોજાશે મહત્વની બેઠક:

એમઓયુ પર ડિજિટલ હસ્તાક્ષર થયા બાદ અટકી પડેલી અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો રવિવારે સ્વિટ્ઝર્લેન્ડના બર્ગનસ્ટોક ખાતે ફરી શરૂ થશે, જેમાં પાકિસ્તાન અને કતાર મધ્યસ્થી તરીકે ઉપસ્થિત રહેશે તેવી સત્તાવાર જાહેરાત પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. લેબનોનમાં ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલી સૈન્ય અથડામણોને કારણે શુક્રવારથી શરૂ થનારી આ 'તકનીકી સ્તરની બેઠક' મુલતવી રાખવામાં આવી હતી. વિદેશ મંત્રાલયની અખબારી યાદી અનુસાર, સ્વિટ્ઝર્લેન્ડના આ સંવાદમાં અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિઓ સાથે બંને મધ્યસ્થ દેશોના અધિકારીઓ પણ જોડાશે જેથી અટકેલી મંત્રણાને ફરી વેગ આપી શકાય.

દિલ્હીના JLN સ્ટેડિયમમાં અક્ષય કુમાર અને મનસુખ માંડવિયાના યોગ

દેશની રાજધાની દિલ્હીમાં પણ યોગ દિવસ નિમિત્તે મોટો કાર્યક્રમ યોજાશે. દિલ્હીના પ્રતિષ્ઠિત જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર સાથે સામૂહિક યોગ સાધનામાં ભાગ લેશે.

લોખંડી બંદોબસ્ત વચ્ચે દેશભરમાં NEET UG ની પુનઃપરીક્ષા

પેપર લીકના મોટા વિવાદ બાદ, નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા 21 જૂને બપોરે 2:00 વાગ્યાથી NEET UG ની પુનઃપરીક્ષા યોજવામાં આવી રહી છે. કોઈ ગેરરીતિ ન થાય તે માટે તમામ પરીક્ષા કેન્દ્રો પર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

સુરતમાં 22 કેન્દ્રો પર 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે NEET પરીક્ષા

સુરત સહિત સમગ્ર રાજ્યમાં NEET UG ની પરીક્ષા માટે તંત્ર સજ્જ છે. સુરત શહેરના 22 પરીક્ષા કેન્દ્રો ઉપર 10,303 ઉમેદવારો પરીક્ષા આપશે. ઉમેદવારોને સવારે 11:00 વાગ્યાથી બપોરે 1:30 વાગ્યા સુધી જ કેન્દ્રમાં પ્રવેશ મળશે, 1:30 પછી કોઈને એન્ટ્રી આપવામાં નહીં આવે.

હવામાન વિભાગનું એલર્ટ: 23 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

હવામાન વિભાગ દ્વારા 21 જૂનના રોજ દેશના 23 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને પૂર્વોત્તર રાજ્યોમાં 80 થી 90 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને કરા પડી શકે છે, જેથી મુસાફરી ટાળવા સલાહ અપાઈ છે.

મોરબીના જેતપરમાં ખેડૂતોના આમરણાંત ઉપવાસનો ચોથો દિવસ

મોરબી તાલુકાના જેતપર ગામે ખેડૂતોના હક્ક માટે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનનો 21 જૂને ચોથો દિવસ થશે. વીજપોલના વળતર મુદ્દે ખેડૂતો હજુ પણ અડગ છે અને આંદોલન ચાલુ રાખશે.

માણસા ખાતે રાજ્યકક્ષાની ઉજવણીમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરી

ગુજરાત રાજ્યકક્ષાના મુખ્ય યોગ દિવસની ઉજવણી ગાંધીનગરના માણસા ખાતે કરવામાં આવશે. આ ભવ્ય સરકારી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને નાગરિકો સાથે યોગ કરશે.

સાબરમતી રિવરફ્રન્ટ પર જગદીશ વિશ્વકર્માની હાજરીમાં AMCનો કાર્યક્રમ

અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર, પાલડી ખાતે સવારે 6:00 વાગ્યે યોગનું વિશેષ આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અગ્રણી જગદીશ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહેશે.

બનાસકાંઠાના થરાદમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી કરશે યોગ

બનાસકાંઠા જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી થરાદ ખાતે રાખવામાં આવી છે. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે અને મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ તેમની સાથે જોડાશે.

યાત્રાધામ શામળાજી મંદિર પરિસરમાં અરવલ્લી જિલ્લા કક્ષાની ઉજવણી

અરવલ્લી જિલ્લા કક્ષાનો યોગ દિવસ પ્રખ્યાત યાત્રાધામ શામળાજીના ભવ્ય મંદિર પરિસરમાં યોજાશે. આ પવિત્ર સ્થળે આયોજિત કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી પી. સી. બરંડા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.

પોરબંદર ચોપાટી પર મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની હાજરીમાં યોગોત્સવ

પોરબંદરમાં સમુદ્ર કિનારે આવેલી પ્રખ્યાત ચોપાટી ખાતે 12મા વિશ્વ યોગ દિવસની ઉજવણી થશે. પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિત ભાજપના આગેવાનો અને સ્થાનિક નાગરિકો સમુદ્રતટે યોગ કરશે.

નવસારીમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને મેયરની ઉપસ્થિતિ

નવસારી શહેરમાં મનપા દ્વારા યોગ દિવસનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં નવસારીના મેયર અશોક ધોરાજીયા નગરજનો સાથે યોગ કરશે, જ્યારે રાજ્યના કેબિનેટ મંત્રી નરેશ પટેલ આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે હાજર રહેશે.

બોટાદ સરકારી હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના યોગની તૈયારી

બોટાદ જિલ્લા વહીવટી વિભાગ દ્વારા બોટાદ શહેરની સરકારી હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરાશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, સ્થાનિક સાંસદ અને ધારાસભ્યો ઉપસ્થિત રહીને યોગ કરશે.

ધોરાજીમાં લેઉવા પટેલ ભવન અને આદર્શ સ્કૂલમાં આયોજન

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પણ તાલુકા વહીવટી તંત્ર દ્વારા યોગ દિવસની તડામાર તૈયારીઓ કરાઈ છે. ધોરાજીમાં લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે તેમજ ધોરાજીની આદર્શ સ્કૂલ ખાતે યોગ દિવસના અલગ-અલગ કાર્યક્રમો યોજાશે.

21 જૂને દેશભરમાં ઉજવાશે 'ફાધર્સ ડે'

21 જૂનના રોજ ભારતમાં પિતાના સન્માનમાં 'ફાધર્સ ડે' ઉજવાશે. જૂન મહિનાના ત્રીજા રવિવારે મનાવાતા આ દિવસની શરૂઆત 1910માં અમેરિકાના સોનોરા સ્માર્ટ ડોડ દ્વારા પોતાના પિતાના સન્માનમાં થઈ હતી, જેને 1972માં અમેરિકી રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સને સત્તાવાર મંજૂરી આપી હતી.

વિશ્વ સંગીત દિવસ: કલાકારો સંગીતના સૂર રેલાવશે

21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં 'વિશ્વ સંગીત દિવસ' ઉજવવામાં આવે છે. આ દિવસે કલાકારો અને સંગીત પ્રેમીઓ મ્યુઝિકને માત્ર સ્ટેજ સુધી મર્યાદિત ન રાખતા સામાન્ય લોકો સુધી પહોંચાડવા અને સંગીતના માધ્યમથી લોકોને જોડવાના વિશેષ પ્રયાસો કરે છે.

વિશ્વ હાઇડ્રોગ્રાફી દિવસ: જળમાર્ગોની માહિતીનું મહત્વ સમજાવાશે

સમુદ્ર, નદીઓ, સરોવરો અને જળમાર્ગોની સચોટ માહિતીને મેપ કરીને દુનિયા સામે રજૂ કરનારા હાઇડ્રોગ્રાફર્સના કાર્ય અને તેના ફાયદાઓ વિશે જાગૃતિ લાવવા માટે 21 જૂનના રોજ 'વિશ્વ હાઇડ્રોગ્રાફી દિવસ' ઉજવવામાં આવે છે.

જૂન સંક્રાંતિ: વર્ષનો સૌથી લાંબો દિવસ અને ટૂંકી રાત

ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ 21 જૂનનું વિશેષ મહત્વ છે. આ દિવસે ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત હોય છે, જેને 'જૂન સંક્રાંતિ' કહે છે. આ દિવસે સૂર્યના કિરણો પૃથ્વી પર એક ખાસ ખૂણાથી પડતા હોવાથી દિવસનો સમય સૌથી વધુ હોય છે.

21 જૂનની ઐતિહાસિક ઘટનાઓ

  • 1991: રાજીવ ગાંધીની હત્યા બાદ પી. વી. નરસિમ્હા રાવે ભારતના 9મા વડાપ્રધાન તરીકે શપથ લીધા, જેમણે દેશમાં મોટા આર્થિક સુધારા કર્યા.
  • 1948: લોર્ડ માઉન્ટબેટનની વિદાય બાદ સી. રાજગોપાલાચારી ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ બન્યા.
  • 2015: પીએમ મોદીની આગેવાનીમાં દિલ્હીના રાજપથ પર પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો, જેણે ગિનેસ બુકમાં સ્થાન મેળવ્યું.
  • 2009: બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલે ઇન્ડોનેશિયા ઓપન સુપર સિરીઝ જીતી ઇતિહાસ રચ્યો.

મહાન હસ્તીઓનો જન્મદિવસ

  • પાકિસ્તાનના પૂર્વ પીએમ બેનઝીર ભુટ્ટો (1953)
  • બ્રિટનના પ્રિન્સ વિલિયમ (1982) 
  • કારગિલ યુદ્ધના અમર શહીદ કેપ્ટન પદ્મપાણી આચાર્ય (1969) 
  • બોલિવૂડ ડિરેક્ટર દિબાકર બેનર્જી (1969) 
  • ભારતીય મહિલા ક્રિકેટર હરલીન દેઓલ (1998) 
  • અભિનેત્રી પૂજા ગોર (1991)
  • બોલિવૂડના હિસ્ટોરિકલ વિલન અમરીશ પુરી (1932)

આ પણ વાંચો - Gujarat Police Bharti: LRD પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર, આ તારીખ સુધી કરી શકશે ઓનલાઇન વાંધા અરજી


  • Follow us on: