હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર ગણાતી કૈલાશ માનસરોવર યાત્રાને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે. યાત્રાનું આયોજન કરતા ખાનગી ટૂર ઓપરેટરો સામે યાત્રાળુઓ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પ્રવાસીઓ પાસેથી મોટી રકમ વસૂલવા છતાં ત્યાં અપાતી સુવિધાઓ અને આર્થિક વ્યવહારોમાં મોટા પાયે ગેરરીતિ થઈ રહી હોવાની વિગતો બહાર આવતા યાત્રાળુઓએ આ અંગે કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો સમક્ષ લેખિતમાં રજૂઆત કરી કડક તપાસની માગ કરી છે.


નેપાળ પહોંચ્યા બાદ USD 1710 રોકડ વસૂલાતનો આક્ષેપ

કેન્દ્ર સરકારને કરવામાં આવેલી રજૂઆતમાં યાત્રાળુઓએ આક્ષેપ કર્યો છે કે, ભારતમાંથી બુકિંગ કરાવ્યા બાદ જ્યારે પ્રવાસીઓ નેપાળ પહોંચે છે, ત્યારે ખાનગી ઓપરેટરો દ્વારા તેમની પાસેથી બળજબરીપૂર્વક મોટી રકમ વસૂલવામાં આવે છે. ઓપરેટરો દ્વારા પ્રતિ યાત્રાળુ 17120 અમેરિકન ડોલર રોકડા સ્વીકારવાનો આગ્રહ રાખવામાં આવે છે, જે સંપૂર્ણપણે નિયમોની વિરૂદ્ધ છે.

GST લીધો પણ બિલ ગાયબ!

નાણાકીય હેરાફેરીના આક્ષેપો લગાવતા પ્રવાસીઓએ જણાવ્યું છે કે, ટૂર ઓપરેટરો બુકિંગ સમયે યાત્રાળુઓ પાસેથી જીએસટી (GST) ની રકમ વસૂલ કરે છે, પરંતુ જ્યારે સત્તાવાર બિલ માંગવામાં આવે, ત્યારે પૂરતો જીએસટી વસૂલ્યા હોવા છતાં તેનું પાકું જીએસટી બિલ આપવામાં આવતું નથી. આ ઉપરાંત યાત્રા દરમિયાન રહેઠાણ અને ભોજનની વ્યવસ્થામાં પણ ભારે ગેરવહીવટ અને બેદરકારી જોવા મળતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.

લાખો હિંદુઓની આસ્થાના કેન્દ્ર સમાન પવિત્ર કૈલાશ માનસરોવર યાત્રાનું આયોજન કરતા કેટલાક ખાનગી ટૂર ઓપરેટરો સામે ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. યાત્રાળુઓ દ્વારા કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલયને એક વિસ્તૃત રજૂઆત મોકલીને ખાનગી ઓપરેટરોની નાણાકીય હેરાફેરી અને કથિત ગેરવહીવટ સામે સેન્ટ્રલ બ્યુરો અને વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા કડક તપાસ કરવાની માગ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારને કરવામાં આવેલી લેખિત રજૂઆતમાં ખાસ કરીને 'ઇનાયા જર્નીઝ' અને તેના પ્રમોટર રવિ મોદીની ઓપરેટિંગ સિસ્ટમ સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ફરિયાદ અનુસાર, ભારતમાં પ્રતિ યાત્રાળુ આશરે રૂ. 3,00,000 થી રૂ. 3,50,000 જેટલી મોટી રકમ વસૂલવામાં આવે છે. આટલું જ નહીં, યાત્રાળુઓ જ્યારે નેપાળ પહોંચે છે, ત્યારે તેમની પાસેથી પ્રતિ વ્યક્તિ 1710 યુએસ ડોલર રોકડા વસૂલવામાં આવતા હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ કરાયો છે. આટલી મોટી રકમ બેંકિંગ ચેનલના બદલે રોકડમાં લેવાતી હોવાથી FEMA અને RBI ના નિયમોના ભંગ તેમજ મની લોન્ડરિંગની આશંકા વ્યક્ત કરાઈ છે.

વૃદ્ધ યાત્રાળુઓ હેરાન કરાયા, ભોજન અને રહેઠાણમાં ભારે ગેરવહીવટ

  • આર્થિક સ્કેમ ઉપરાંત, પવિત્ર યાત્રાએ જતા સિનિયર સિટિઝન્સ અને અન્ય ભક્તો સાથે થતા દુર્વ્યવહારની પણ વિગતો સામે આવી છે.
  • પ્રવાસીઓને રાત્રે મોડે સુધી હોટેલ એલોકેશન ન મળવું અને સામાન સાથે કલાકો સુધી ઉભા રાખવાની ફરિયાદો ઉઠી છે.
  • લાંબી અને થકવી નાખનારી મુસાફરી બાદ જ્યારે પ્રવાસીઓ હોટેલ પહોંચે ત્યારે કિચન બંધ હોવાના બહાના હેઠળ ભોજન પણ આપવામાં આવતું ન હોવાના કિસ્સા બન્યા છે.
  • કોઈ ગેરવ્યવસ્થા બાબતે જ્યારે ઓપરેટરોને પૂછવામાં આવે ત્યારે તેઓ ચીની એજન્સીઓ, સ્થાનિક નેપાળી ઓપરેટરો કે હવામાન પર દોષનો ટોપલો ઢોળીને પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે.


ફરિયાદની PDF ફાઈલ ડાઉનલોડ કરવા ક્લિક કરો


દેશની સર્વોચ્ચ એજન્સીઓ પાસે તપાસની માગ

આ સમગ્ર કૌભાંડ અને ગેરરીતિઓ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની છબી ખરડી રહી હોવાથી યાત્રાળુઓએ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોને પત્ર લખ્યો છે. જેમાં આ મામલે પ્રવાસન મંત્રાલય, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI), સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC), સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ GST ઇન્ટેલિજન્સ (DGGI) જેવી સર્વોચ્ચ એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી માગ ઉઠાવી છે. આ સાથે જ ભવિષ્યમાં ભોળા શ્રદ્ધાળુઓ છેતરાય નહીં તે માટે પ્રવાસ ઓપરેટરો માટે એક કડક નિયમનકારી માળખું તૈયાર કરવા પણ અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો - વાંચો 14 જૂનના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે


  • Follow us on: