મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારના રત્નાગિરી જિલ્લાના પ્રસિદ્ધ પર્યટન સ્થળ ગણપતિપુલેમાં શનિવારે મોટો અકસ્માત સર્જાયો છે. છત્રપતિ સંભાજીનગર જિલ્લાના 5 પર્યટકો દરિયામાં ડૂબી જતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસન, પોલીસ અને બચાવ દળ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા છે.
11 વાગ્યે દરિયામાં ઉતર્યા હતા
પ્રાથમિક માહિતી મુજબ, છત્રપતિ સંભાજીનગરથી કુલ 21 લોકોનું એક ગ્રુપ ગણપતિપુલે ફરવા આવ્યું હતું. સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ કેટલાક યુવાનો દરિયામાં ઉતર્યા હતા, ત્યારે અચાનક ઊંચી લહેરો અને તેજ પ્રવાહને કારણે 5 પ્રવાસી પાણીમાં ખેંચાઈ ગયા હતા. દરિયાની પરિસ્થિતિનો યોગ્ય અંદાજ ન લગાવી શકવાને કારણે આ દુર્ઘટના બની હોવાનું જણાવાયું છે.













