કોઈપણ બાળકનો જયારે જન્મ થાય છે ત્યારે પહેલા તેના રડવાનો અવાજ આપણે સાંભળીએ છીએ. મહિલાને જયારે ડિલિવરી માટે લઈ જવામાં આવે ત્યારે આપણે કિલકારીનો અવાજ સાંભળતા જ બાળકના જન્મથી આનંદિત થઈએ છીએ. આ સમયે માતા બાળકના રડવાનો અવાજ સાંભળીને વધુ સુખનો અનુભવ કરે છે. પરંતુ કયારેય આપણે વિચાર્યું છે કે બાળકો જન્મ સમયે કેમ રડે છે, હસતા કેમ નથી. આપણા વડીલો કહે છે બાળક માતાથી અલગ થતા રડે છે. જયારે ડોક્ટરે આનું કારણ આપતા કહ્યું કે જન્મ બાદ બાળકનું રડવું તેના સ્વસ્થ હોવાના સંકેત છે.
જન્મ પછી બાળકનું રડવું કુદરતી પ્રક્રિયા
બાળકનો પહેલો અવાજ ડિલિવરી રૂમમાં ગુંજી ઉઠે છે, તે ઘણીવાર હાસ્ય નહીં પણ રડવાનો અવાજ હોય છે. જન્મ પછી બાળકનું રડવું એ એક કુદરતી પ્રક્રિયા છે. જ્યારે બાળક ગર્ભમાંથી બહાર આવે છે, ત્યારે તેને નવા વાતાવરણમાં અનુકૂલન સાધવામાં થોડો સમય લાગે છે, અને રડવું એ તેમની લાગણીઓ વ્યક્ત કરવાનો એક માર્ગ છે. ડોક્ટર કહે છે બાળકના જન્મ બાદ પહેલો સંદેશાવ્યવહાર આપણે કહી શકીએ. તેમનું રુદન તેમના શ્વાસ, શરીર અને મગજની યોગ્ય કામગીરી દર્શાવે છે.
ડોક્ટરો પણ બાળકના રડવાની રાહ જુએ છે
ડોક્ટરના જણાવ્યા મુજબ જ્યારે બાળક તેની માતાના ગર્ભમાંથી બહાર આવે છે, ત્યારે તે એક સંપૂર્ણપણે નવી દુનિયામાં પ્રવેશ કરે છે. ગર્ભની અંદર, તાપમાન સ્થિર હોય છે, પ્રકાશ મંદ હોય છે, અને અવાજો નરમ હોય છે, જ્યારે બહારની દુનિયા ઠંડી, તેજસ્વી અને ઘોંઘાટીયા હોય છે. જયારે બાળકનો જન્મ થાય છે ત્યારે તેનું શરીર આ અચાનક પરિવર્તન પર તરત જ પ્રતિક્રિયા આપે છે. આ પ્રતિક્રિયા રડવાના સ્વરૂપમાં પ્રગટ થાય છે, જે દર્શાવે છે કે બાળક જીવંત છે અને તેનું શરીર નવા વાતાવરણમાં અનુકૂલન સાધી રહ્યું છે. એટલે જ ડોક્ટરો પણ બાળજન્મ બાદ અનેક વખત તેના રડવાની રાહ જુએ છે, કારણ કે આ હૃદય અને ફેફસાના યોગ્ય કાર્યનો પુરાવો છે
સારા સ્વાસ્થ્યનો સંકેત બાળકનું પહેલું રડવું
બાળકનું પહેલું રડવું એ તેના સ્વાસ્થ્યનું સૌથી મહત્વપૂર્ણ સૂચક છે. ગર્ભાશયમાં હોય ત્યારે, બાળકના ફેફસાં સંપૂર્ણપણે કાર્યરત હોતા નથી, કારણ કે ઓક્સિજન પ્લેસેન્ટા દ્વારા પૂરો પાડવામાં આવે છે. બાળકનો જન્મ થતાંની સાથે જ તેને પોતાની જાતે શ્વાસ લેવો પડે છે. જ્યારે બાળક રડે છે અને જોરથી શ્વાસ લે છે, ત્યારે તેના ફેફસાં વિસ્તરે છે અને પ્રવાહી બહાર કાઢે છે. આ પ્રક્રિયા તેને સ્વતંત્ર રીતે શ્વાસ લેવા સક્ષમ બનાવે છે. બાળક જયારે રડે છે ત્યારે હૃદયના ધબકારા વધે છે અને શરીરમાં રક્ત પરિભ્રમણનું ચક્ર શરૂ થાય છે. જેના કારણે શરીરના દરેક ભાગમાં ઓક્સિજન પહોંચવાનું શરૂ થવા લાગે છે. જન્મ બાદ બાળક કેમ હસતું નથી તેને લઈને કેટલાક લોકોને પ્રશ્ન થાય છે. હાસ્ય એ મગજના વિકાસ સાથે જોડાયેલી ભાવનાત્મક અને સામાજિક પ્રતિક્રિયા છે. હાસ્ય માટે સુરક્ષા, પરિચિતતા અને ચહેરા ઓળખવાની ક્ષમતાની જરૂર પડે છે, જે ધીમે ધીમે અઠવાડિયા અને મહિનાઓમાં વિકસે છે.
આ પણ વાંચો : Hair Tips : શિયાળામાં વાળમાં ખોડો થવાની લોકોની સૌથી વધુ ફરિયાદ, કયાંક તમે પણ આ ભૂલ નથી કરતા, જાણો