બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે મકરસંક્રાંતિના પર્વે આદ્યશક્તિની આરાધના સાથે સાધુ-સંતોના દિવ્ય સંગમનો પ્રારંભ થયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજીમાં 'સાધુ સંગમ મેળા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશના ખૂણેખૂણેથી અલગ-અલગ અખાડાઓના સાધુ-સંતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. મકરસંક્રાંતિના પવિત્ર દિવસે અંબાજીની ધરા પર સાધુ-સંતોના જમાવડાથી વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું છે. યાત્રિકો પણ આ સાધુ સંગમમાં સંતોના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
ઉત્તરાયણ પર ભક્તિનો રંગ
સંગમ મેળાના બીજા દિવસે અંબાજીના ઐતિહાસિક માન સરોવરના તટે વિશેષ પૂજન અને ગંગા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાશીની ગંગા આરતીની યાદ અપાવે તેવા અલૌકિક દ્રશ્યો માન સરોવરના કિનારે જોવા મળ્યા હતા, જ્યાં સેંકડો સાધુ-સંતોએ એકસાથે મળીને આરતી કરી વિશ્વ કલ્યાણની મંગલ કામના કરી હતી. મંત્રોચ્ચાર અને શંખનાદથી સમગ્ર ગબ્બર પંથક ગુંજી ઉઠ્યો હતો. આ સાધુ સંગમ મેળામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને સત્સંગ દ્વારા ભક્તિની સરવાણી વહી રહી છે, જે આગામી દિવસોમાં પણ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.













