આજકાલ ગ્લોઇંગ અને ફ્રેશ સ્કિન મેળવવા માટે ફેસ માસ્કનો ક્રેઝ ઘણો વધી ગયો છે. ખાસ કરીને મહિલાઓ પોતાની ત્વચાને ત્વરિત ચમકદાર બનાવવા માટે બજારમાં મળતા વિવિધ બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ, સાવધાન! સસ્તા અને નકલી કેમિકલયુક્ત ફેસ માસ્ક તમારા ચહેરાની સુંદરતા વધારવાને બદલે તેને ભારે નુકસાન પહોંચાડી શકે છે. ત્વચા નિષ્ણાતોના મતે, નકલી કોસ્મેટિક્સમાં એવા હાનિકારક રસાયણો હોય છે જે ત્વચાને અંદરથી ડેમેજ કરે છે. જો તમે પણ વારંવાર ફેસ માસ્ક બદલતા રહો છો, તો તેની આડઅસરો વિશે જરૂર જાણો.
નકલી અને ખોટા ફેસ માસ્કથી થતી આ ગંભીર આડઅસરો
ત્વચા પર બળતરા અને લાલાશ : સસ્તા માસ્કમાં રહેલા કેમિકલ્સ ત્વચાના નેચરલ પ્રોટેક્ટિવ લેયરને નબળું પાડે છે. આના કારણે ચહેરા પર અચાનક ખંજવાળ, બળતરા અને લાલ ફોલ્લીઓ થઈ શકે છે.
એલર્જી અને ઇન્ફેક્શનનું જોખમ: નકલી પ્રોડક્ટ્સમાં વપરાતા બિનઆરોગ્યપ્રદ ઘટકો ગંભીર એલર્જીક રિએક્શન લાવી શકે છે. ખાસ કરીને સેન્સિટિવ ત્વચા ધરાવતા લોકોને ફેસ માસ્ક લગાવ્યા પછી સોજો અથવા ડંખ આવવાની સમસ્યા વધુ થાય છે. જો આવું થાય, તો માસ્ક તાત્કાલિક સાફ કરી લેવો જોઈએ.
પીલ-ઓફ માસ્કનું નુકસાન: જોકે પીલ-ઓફ માસ્ક ચહેરાની સપાટી પરથી ગંદકી સાફ કરવામાં મદદ કરે છે, પરંતુ તેનો વારંવાર ઉપયોગ ત્વચાને અતિશય શુષ્ક (Dry) બનાવી દે છે. ડ્રાય સ્કિન ધરાવતા લોકોએ આનો ઉપયોગ કરતી વખતે ખાસ સાવધાની રાખવી જોઈએ, અન્યથા ચહેરા પર નાની ફોલ્લીઓ નીકળી શકે છે.
સ્કીન બેરિયર અને પોર્સ પર અસર: અતિશય એક્સફોલિએટિંગ માસ્ક કે ખોટી પ્રોડક્ટ્સના ઉપયોગથી ત્વચા પર માઇક્રોસ્કોપિક કટ્સ (ઝીણા ઘા) પડી શકે છે. આનાથી ચહેરાની સંવેદનશીલતા વધે છે અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનનું જોખમ બમણું થઈ જાય છે.
ફેસ માસ્ક ખરીદતી વખતે શું ધ્યાનમાં રાખવું?
બજારમાંથી કોઈપણ ફેસ માસ્ક ખરીદતા પહેલા તમારી ત્વચાના પ્રકારને સમજવો ખૂબ જરૂરી છે. ત્વચા નિષ્ણાતોના મતે, હંમેશા પ્રોડક્ટની પાછળ આપેલા ઘટકો ચેક કરીને જ ખરીદી કરવી જોઈએ. શુષ્ક અને સંવેદનશીલ ત્વચા માટે હાયલ્યુરોનિક એસિડ, સિરામાઇડ્સ, ગ્લિસરીન, ઓટમીલ જેવા ઘટકો હોય તેવા ફેસમાસ્ક લેવો. તે ત્વચાને ઊંડાણપૂર્વક હાઇડ્રેટ રાખશે અને બળતરા ઘટાડશે. તૈલી અને ખીલવાળી ત્વચા માટે ક્લે (માટી), નિયાસીનામાઇડ, સેલિસિલિક એસિડ અને એન્ટી-એજિંગ કેર માટે વિટામિન સી, પેપ્ટાઇડ્સ, હાઇડ્રેટિંગ તત્વોવાળા ફેસમાસ્ક લેવા.
આ પણ વાંચો : Health Tips: કેન્સરના જોખમને વધારે છે રસોડાની આ વસ્તુઓ, ઘરમાંથી આજે જ દૂર કરો
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )