ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) કડક એક્શન મોડમાં આવ્યું છે. આ વખતે FSSAI માત્ર ભેળસેળ કરનારી કંપનીઓ પર જ નહીં, પરંતુ રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા ખાદ્ય અને પીણા ઉત્પાદનો પર કરવામાં આવતા મોટા-મોટા દાવાઓ કરતી કંપનીઓ પર લગામ લગાવવા પ્રયાસ કર્યો છે. તાજેતરની તપાસમાં બહાર આવ્યું છે કે બજારમાં મળતી ઘણી પ્રોડક્ટ્સ ગ્રાહકોને આકર્ષવા માટે એવા અતિશયોક્તિપૂર્ણ સ્વાસ્થ્ય દાવા કરે છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી અથવા તો તેને સત્તાવાર મંજૂરી મળી નથી.
ખોરાકને ‘દવા’ તરીકે વેચવાનો ખેલ પર FSSAIની લગામ
સૌથી મોટો પ્રશ્ન એવા ખાદ્ય પદાર્થો પર ઉભો થયો છે જે સીધા રોગો મટાડવાનો દાવો કરે છે. નિયમો અનુસાર મંજૂરી વિના આવા દાવા કરી શકાતા નથી, છતાં પેકેજિંગ પર ખુલ્લેઆમ ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. કેટલીક પ્રોડક્ટ્સ ડાયાબિટીસ નિયંત્રિત કરવાનો, હૃદયને સ્વસ્થ રાખવાનો તો વળી કેટલીક અસ્થમા (દમ) ની સારવારમાં અસરકારક હોવાનો દાવો કરે છે. હદ તો ત્યારે થઈ જ્યારે કેટલાક ખાદ્ય ઉત્પાદનોમાં "કેન્સર વિરોધી" (Anti-Cancer) જેવા અત્યંત ગંભીર શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો, જે કાયદાકીય રીતે સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.
'હેલ્ધી ડ્રિંક્સ' અને 'ડિટોક્સ વોટર' ના નામે છેતરપિંડી
બજારમાં "સ્વસ્થ" અને "ફંક્શનલ" પીણાંના નામે નવો ટ્રેન્ડ શરૂ થયો છે. સાદા પાણીને પણ એવી રીતે માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે કે જાણે તે કોઈ ચમત્કારિક પ્રવાહી હોય. કંપનીઓ દાવો કરી રહી છે કે તેમનું પાણી વજન ઘટાડવા, બોડી ડિટોક્સ કરવા અને ત્વચા ચમકાવવામાં મદદ કરે છે. FSSAI ના મતે, આવા સામાન્ય સ્વાસ્થ્ય દાવાઓ પાછળ કોઈ નક્કર પુરાવા હોતા નથી અને તે માત્ર લોકોને છેતરવાનો કીમિયો છે.
લેબલ પર કંઈક બીજું અને અંદર પણ કંઈક બીજું જ!
તપાસ દરમિયાન પ્રોડક્ટ્સના લેબલિંગમાં પણ મોટી છેતરપિંડી પકડાઈ છે. કુદરતી ખાંડનો ભ્રમ: પેકેજની બહાર "100% નેચરલ" અથવા "કુદરતી ખાંડ" (Natural Sugar) જેવા આકર્ષક શબ્દો લખવામાં આવે છે. વાસ્તવમાં પ્રોડક્ટની અંદર પ્રોસેસ્ડ ઘટકો અથવા અલગથી ઉમેરેલી ખાંડ (Added Sugar) હોય છે. એટલે કે પેકેજિંગની વાર્તા અને અંદરની સચ્ચાઈ વચ્ચે જમીન-આસમાનનો તફાવત હોય છે.
હેલ્થ સપ્લિમેન્ટ્સ અને પ્રોટીન પાવડર પણ શંકાના ઘેરામાં
આજકાલના યુવાનોમાં લોકપ્રિય એવા હેલ્થ સપ્લિમેન્ટ્સ અને પ્રોટીન પાવડરમાં પણ આવી જ ગેરરીતિઓ જોવા મળી છે. કોઈ પણ વૈજ્ઞાનિક આધાર વિના કંપનીઓ નીચે મુજબના બોલ્ડ દાવાઓ કરી રહી છે. "૧૦૦% શુદ્ધ", "ઝડપથી મસલ્સ બનાવો", "પાચનશક્તિ સુધારો" અને "મગજ તેજ કરો". FSSAI એ સ્પષ્ટ કર્યું છે કે જો આવા દાવાઓને સમર્થન આપતો કોઈ વૈજ્ઞાનિક પુરાવો કંપની પાસે નહીં હોય, તો તેમની સામે કડક કાનૂની કાર્યવાહી થશે.
ગ્રાઉન્ડ લેવલ પર સ્વચ્છતા અને ગુણવત્તાના ધજાગરા
આ મુદ્દો માત્ર ખોટા માર્કેટિંગ પૂરતો મર્યાદિત નથી, પરંતુ જમીની સ્તરે પ્રોડક્ટની ગુણવત્તા પણ કથળેલી જોવા મળી છે. ગ્રાહકો તરફથી ફેક્ટરીઓ કે રસોડામાં ગંદકી હોવાની ફરિયાદો ઉઠી છે. આ ઉપરાંત, બજારમાં મળતી ડેરી પ્રોડક્ટ્સ (દૂધ, માવો, પનીર વગેરે) માં સમય પહેલા જ બગાડ અને ફૂગ (Fungus) લાગી હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.
FSSAI નો કડક સંદેશ: "હવે દરેક દાવો સાબિત કરવો પડશે"
FSSAI એ તમામ ફૂડ બિઝનેસ ઓપરેટર્સને કડક ચેતવણી આપી દીધી છે કે હવે પેકેજ પર લખેલા એક-એક શબ્દની બારીકાઈથી ચકાસણી કરવામાં આવશે. "કુદરતી", "સ્વસ્થ", "પ્રો", "હાર્ટ હેલ્ધી" કે "ઇમ્યુનિટી બૂસ્ટર" જેવા શબ્દોનો ઉપયોગ હવે હવામાં કે આકસ્મિક રીતે કરી શકાશે નહીં. માત્ર પ્રોડક્ટ વેચવા માટે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ દિવસો હવે પૂરા થયા છે, કંપનીઓએ પોતાના દરેક દાવાને વિજ્ઞાન અને પુરાવા સાથે સાબિત કરવો જ પડશે.
આ પણ વાંચો : Gardening:ચોમાસામાં ઘરના આંગણે કે કુંડામાં ઉગાડો આ 9 શાકભાજી,ખૂબ જ ઝડપથી થશે ગ્રોથ