આપણને અનેકવાર મોબાઇલ અને લેપટોપની સ્ક્રીન તરફ જોતી વખતે આપણી આંખો સામે નાના કાળા ટપકાં દેખાય છે. તો કયારેક ઝીણા દોરા અથવા કરોળિયાના જાળા જેવી આકૃતિઓ તરતી દેખાય છે. તબીબી ભાષામાં આ સ્થિતિને 'આઇ ફ્લોટર્સ' (Eye Floaters) કહેવામાં આવે છે. પહેલાના સમયમાં આને માત્ર મોટી ઉંમરના કારણે લોકોમાં આ સમસ્યા જોવા મળતી હતી. પરંતુ આજકાલ યુવાનો અને બાળકોમાં પણ 'આઇ ફ્લોટર્સ'ના લક્ષણો ઝડપથી વધી રહ્યા છે. નિષ્ણાતોના મતે, કલાકો સુધી સ્ક્રીન સામે બેસી રહેવું અને આંખોની નબળાઈ આ માટે મુખ્યત્વે જવાબદાર હોઈ શકે છે.
કેમ થાય છે આઈ ફલોટર્સ
આપણી આંખના લેન્સ અને પાછળના પડદા (રેટિના) વચ્ચે એક જેલી જેવો પારદર્શક પદાર્થ હોય છે, જેને વિટ્રીયસ (Vitreous) કહેવામાં આવે છે. ઉંમર વધવાની સાથે અથવા અન્ય કારણોસર આ જેલીમાં ફેરફાર થાય છે. તેમાં રહેલા કોલેજન તંતુઓ (Collagen fibers) એકસાથે ભેગા થઈને ઝીણા ગઠ્ઠા જેવું બનાવી લે છે. જ્યારે આંખ પર પ્રકાશ પડે છે, ત્યારે આ તંતુઓનો પડછાયો રેટિના પર પડે છે, જે આપણને બહાર હવામાં તરતા ડાઘા કે દોરા સ્વરૂપે દેખાય છે.
યુવાનોમાં આઇ ફ્લોટર્સ વધવાના મુખ્ય કારણો
આજકાલ યુવાનોમાં માયોપિયા એટલે કે આંખોના માઇનસ નંબર ખૂબ ઝડપથી વધી રહ્યા છે. જેમને હાઈ માયોપિયા હોય, તેમના રેટિનામાં છિદ્ર (Tear) પડવાનું કે રેટિના ડિટેચમેન્ટનું જોખમ ઘણું વધારે હોય છે, જે ફ્લોટર્સનું કારણ બને છે. કોમ્પ્યુટર કે ફોનનો સતત ઉપયોગ સીધો ફ્લોટર્સ પેદા નથી કરતો, પરંતુ કલાકો સુધી તેજસ્વી બ્રાઈટ સ્ક્રીન સામે જોવાથી આંખોમાં પહેલેથી હાજર ફ્લોટર્સ વધુ સ્પષ્ટ અને પરેશાન કરનારા દેખાવા લાગે છે. : બાળકો અને યુવાનો બહાર ખુલ્લા વાતાવરણમાં અને સૂર્યપ્રકાશમાં ઓછો સમય વિતાવે છે, જે આંખોના સ્નાયુઓ અને એકંદર સ્વાસ્થ્યને નબળું પાડે છે.
આ શારીરિક પ્રવૃત્તિઓ આંખ માટે નુકસાનકારક
આંખના ડોક્ટરોના મતે, કેટલીક આદતો કે આકસ્મિક સ્થિતિઓ પણ આંખની અંદરની જેલી (વિટ્રીયસ) ને રેટિનાથી અલગ થવા માટે ઉત્તેજિત કરી શકે છે. જિમ કે ઘરમાં અતિશય ભારે વજન ઉપાડવું. લાંબા સમય સુધી જોરથી ખાંસી ખાવી કે વારંવાર જોરદાર છીંક આવવી. કબજિયાત દરમિયાન પેટ અને ફેસના સ્નાયુઓ પર વધુ પડતું જોર કરવું. રમત-ગમત કે અકસ્માત દરમિયાન આંખ પર સીધી ઇજા કે આઘાત લાગવો.
આ પણ વાંચો : Monsoon Hair Care: ચોમાસામાં કઈ ભૂલોના કારણે તૂટે છે વાળ? જાણો બચાવવાના ઉપાયો