વિદેશની ધરતી પર ફરી એકવાર ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓએ પોતાની બુદ્ધિપ્રતિભાના દર્શન કરાવ્યા છે. અમેરિકાની પ્રતિષ્ઠિત અને બ્લુ રિબન યુનિવર્સિટીઓમાં સ્થાન ધરાવતી યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, ડેવિસના ગ્રેજ્યુએશન પાસિંગ આઉટ કાર્યક્રમમાં ભારતીય અને ગુજરાતી વિદ્યાર્થીઓએ ભવ્ય સફળતા મેળવીને દેશનું નામ રોશન કર્યું છે.
2500માંથી 70% થી વધુ વિદ્યાર્થીઓ ભારતીય-ગુજરાતી!
યુનિવર્સિટીના સત્તાવાર દીક્ષાંત સમારોહમાં કુલ 2500 વિદ્યાર્થીઓ પાસ આઉટ થયા હતા. આ ગૌરવપૂર્ણ અવસરે ચોંકાવનારો અને ગર્વ અપાવનારો આંકડો સામે આવ્યો છે, જેમાં પાસ થનારા કુલ વિદ્યાર્થીઓમાંથી 70% કરતા પણ વધારે બાળકો ભારતીય અને તેમાં પણ સૌથી વધુ ગુજરાતી મૂળના છે. દીક્ષાંત પરેડમાં ચારેય તરફ ગુજરાતીઓનો જ દબદબો જોવા મળ્યો હતો.
ઓન-ધ-સ્પોટ મળી જોબ ઓફર
આ દીક્ષાંત સમારોહ માત્ર ડિગ્રી મેળવવા પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ વિદ્યાર્થીઓની કાબિલિયત જોઈને વિશ્વની અગ્રણી કંપનીઓ દ્વારા દીક્ષાંત સમારોહના સ્થળ પર જ વૈશ્વિક સ્તરના પેકેજ સાથે નોકરીની ઓફર આપવામાં આવી હતી. શૈક્ષણિક ક્ષેત્રે આ પ્રકારનું પ્લેસમેન્ટ એક ઐતિહાસિક સિદ્ધિ માનવામાં આવે છે.
સુરતના ઉદ્યોગપતિની દીકરીએ મેળવ્યું અગ્રીમ સ્થાન
આ ભવ્ય સફળતાની યાદીમાં સુરતના મૂળ વતની અને હાલ અમેરિકામાં સ્થાયી થયેલા એનઆરઆઈ યોગી પટેલની સુપુત્રીએ પણ યુનિવર્સિટીમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમની દીકરીની આ અસાધારણ સફળતાએ વિદેશમાં વસતા સમગ્ર ગુજરાતી સમાજનું મસ્તક ગર્વથી ઊંચું કરી દીધું છે. સખત પરિશ્રમ અને તેજસ્વી બુદ્ધિના જોરે ગુજરાતી યુવાધને સાબિત કરી દીધું છે કે, વૈશ્વિક સ્તરે તેમનો કોઈ સ્પર્ધા નથી.
આ પણ વાંચો - Sandesh Explainer : જાણો શું છે Dark Web જેણે ભારત જ નહીં સમગ્ર વિશ્વની સરકારોની ચિંતા વધારી?