અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આજે હોમગાર્ડ જવાનો માટેની મતદાન પ્રક્રિયા દરમિયાન ભારે અફરાતફરી અને હોબાળો મચી ગયો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ફરજમાં જોડાનારા હોમગાર્ડ જવાનો માટે યોજાયેલા બેલેટ પેપર મતદાનમાં ગંભીર ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરોએ સ્થળ પર પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
એક જ વ્યક્તિ દ્વારા બેલેટ પેપરમાં સિક્કા મરાતા હોવાના આક્ષેપ
કોંગ્રેસના બાપુનગર વોર્ડના ઉમેદવારોનો આક્ષેપ છે કે, મતદાન મથકની અંદર લોકશાહીના લીરેલીરા ઉડાડવામાં આવ્યા છે. આરોપ મુજબ, એક જ વ્યક્તિ દ્વારા અનેક બેલેટ પેપરમાં પોતાની મરજી મુજબ સિક્કા મારવામાં આવી રહ્યા હતા. આ પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ હોવાનું જણાવી કોંગ્રેસે ચૂંટણી તંત્ર અને સત્તાધારી પક્ષ સામે રોષ ઠાલવ્યો હતો. હોબાળાની જાણ થતા જ બાપુનગર વોર્ડના કોંગ્રેસના ઉમેદવારો અને મોટી સંખ્યામાં કાર્યકરો મતદાન કેન્દ્ર પર ઉમટી પડ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા.













