રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે પ્રચાર યુદ્ધ હવે વિવાદોના વંટોળમાં ફેરવાયું છે. શહેરના વોર્ડ નંબર 3 માં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અજાણ્યા શખ્સો દ્વારા ભાજપના ઉમેદવારોની જાહેરાતના બેનરો અને પોસ્ટરો ફાડી નાખવામાં આવતા રાજકીય ગલીયારાઓમાં ભારે હોબાળો મચી ગયો છે.
ઉમેદવાર નરેન્દ્ર જાડેજા સહિતના અન્ય ઉમેદવારોના બેનરો ફાડી નંખાયા
મળતી વિગતો અનુસાર, વોર્ડ નંબર 3 ના વિવિધ વિસ્તારો જેવા કે નવરંગ સોસાયટી, માધાપર અને નંદનવન સોસાયટીમાં ભાજપના ઉમેદવાર નરેન્દ્ર જાડેજા સહિતના અન્ય ઉમેદવારોના પ્રચાર અર્થે લગાવવામાં આવેલા બેનરો ફાડી નાખવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા જ ભાજપના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. ભાજપે આ કૃત્ય પાછળ કોંગ્રેસનો હાથ હોવાનો સીધો આક્ષેપ લગાવ્યો છે. ભાજપના મતે, હારના ડરથી કોંગ્રેસ આવા હલકા સ્તરની રાજનીતિ પર ઉતરી આવી છે.













