સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમ બની રહ્યો છે. શહેરના વોર્ડ નંબર 11 (ગોરાટ) વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ અને અપક્ષ ઉમેદવારના સમર્થકો વચ્ચે ઉગ્ર ધીંગાણું સર્જાયું છે. અપક્ષ ઉમેદવાર તરુણ પટેલના સમર્થકો અને ખાસ કરીને મહિલા પ્રચારકો પર ભાજપના ઉમેદવાર હર્ષ મહેતા અને તેમના સમર્થકોએ હુમલો કર્યો હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે.
હર્ષ મહેતાએ મહિલા સમર્થકોને અભદ્ર ગાળો આપી હોવાનો આરોપ
મળતી વિગતો અનુસાર, અપક્ષ ઉમેદવાર તરુણ પટેલ જ્યારે પોતાના સમર્થકો સાથે પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે ભાજપના ઉમેદવાર હર્ષ મહેતા અને તેમના કાર્યકરો ત્યાં પહોંચ્યા હતા. આક્ષેપ છે કે હર્ષ મહેતાએ મહિલા સમર્થકોને અભદ્ર ગાળો આપી હતી અને "અમે ગાર્ડન ગ્રુપના છીએ, અમારું કોઈ કંઈ બગાડી શકવાનું નથી" તેવી ધમકી આપી દાદાગીરી કરી હતી. વિવાદ એટલો વકર્યો હતો કે એક મહિલાને જોરદાર ધક્કો મારી પાડી દીધી હતી, જેમાં મહિલાના કપડા પણ ફાટી ગયા હોવાના ગંભીર આક્ષેપો થયા છે. કેટલીક મહિલાઓને જાહેરમાં તમાચા મારવામાં આવ્યા હોવાની વાતથી વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઈ છે.













