રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં સૌથી હાઈપ્રોફાઈલ ગણાતી વોર્ડ નંબર 2 ની બેઠક પર મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ભારતીય ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાના બહેન અને કોંગ્રેસના આક્રમક નેતા નયનાબા જાડેજાને હારનો સામનો કરવો પડ્યો છે. જોકે, આ હાર બાદ નયનાબાએ જે પ્રકારે નિવેદન આપ્યું છે તેનાથી રાજકોટ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને ભડકો થવાની પૂરી શક્યતા છે.
"આગેવાનો ઘરમાં જ બેઠા રહ્યા"
હાર બાદ મીડિયા સાથે વાતચીત કરતા નયનાબા જાડેજાએ પોતાની નારાજગી ખુલ્લેઆમ ઠાલવી હતી. તેમણે પોતાની હારનો ટોપલો કોંગ્રેસના જ સંગઠન અને સ્થાનિક આગેવાનો પર ઢોળ્યો હતો. નયનાબાએ કોઈનું પણ નામ લીધા વગર આક્ષેપ કર્યો હતો કે, "ચૂંટણી પ્રચારમાં અમુક મોટા આગેવાનોને મદદે આવવાની જરૂર હતી, પરંતુ તેઓ ઘરમાં જ બેઠા રહ્યા." તેમણે વધુમાં ઉમેર્યું કે રાજકોટમાં કોંગ્રેસનું સંગઠન હજુ મજબૂત કરવાની ખૂબ જ જરૂર છે.













