ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામો કોંગ્રેસ માટે અત્યંત નિરાશાજનક રહ્યા છે. સમગ્ર રાજ્યની સાથે વડોદરા જિલ્લામાં પણ કોંગ્રેસના સૂપડા સાફ થઈ જતાં પક્ષમાં આંતરિક વિખવાદ અને નારાજગી સપાટી પર આવી છે. પરિણામોના ગણતરીના કલાકોમાં જ વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પઢીયારે પોતાના પદેથી રાજીનામું ધરી દીધું છે.


કોંગ્રેસનું પ્રદર્શન અત્યંત કંગાળ

જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં કોંગ્રેસનું પ્રદર્શન અત્યંત કંગાળ રહ્યું છે. આ નિરાશાજનક પરિણામોની નૈતિક જવાબદારી સ્વીકારતા જસપાલસિંહ પઢીયારે પ્રદેશ નેતૃત્વને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, અપેક્ષા મુજબના પરિણામો ન મળતા તેઓ આ નિર્ણય લઈ રહ્યા છે.

અન્ય જિલ્લાઓમાં પણ મોટા ફેરફારો થઇ શકે

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ જોવા મળી રહી હતી, પરંતુ પરિણામો બાદ હવે હારનો ઠીકરું એકબીજા પર ફોડવાની પ્રક્રિયા શરૂ થઈ છે. જસપાલસિંહના રાજીનામા બાદ વડોદરા કોંગ્રેસમાં હવે નવા સંગઠન માળખાને લઈને ચર્ચાઓ તેજ બની છે. હાર બાદ શરૂ થયેલા રાજીનામાના દોરને કારણે આગામી દિવસોમાં અન્ય જિલ્લાઓમાં પણ મોટા ફેરફારો જોવા મળી શકે છે.


આ પણ વાંચો----    Gujarat Local Body Election Results 2026: ગુજરાતમાં છવાયો કેસરીયો, જાણો કાર્યકર્તાઓ સાથેની એ કઈ સીક્રેટ મંત્રણા હતી જેણે વોટિંગ પેટર્ન જ બદલી નાખી?

  • Follow us on: