રાજકોટ ખાતે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ પોતાના આગવા અંદાજમાં વિપક્ષી દળો પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતને બદનામ કરવા માટે વિપક્ષો હંમેશા તૈયાર રહે છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે કોંગ્રેસ (પંજો), આમ આદમી પાર્ટી (ઝાડુ) અને સપા જેવા પક્ષોને ગુજરાત સામે શું વાંધો છે?
ગુજરાતીઓની મહેનત અને વિકાસની વાત
હર્ષ સંઘવીએ સંબોધનમાં ઉમેર્યું કે, ગુજરાતીઓએ રાત-દિવસ મહેનત કરીને સફળતા મેળવી છે. આજે રાજ્યના ખૂણેખૂણે અને ઘરે-ઘરે વીજળી તથા પાણી પહોંચી રહ્યા છે. વિપક્ષો પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, જ્યારે કોઈ સારું કામ થતું હોય ત્યારે તેને હેરાન કરવા માટે 'ચૌદશ' આવતી જ હોય છે, એવી જ રીતે અમારી રાજનીતિમાં પણ બે-ચાર ચૌદશ નડવા આવે જ છે.













