સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના અંતિમ પડાવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતના સિંગણપોર ચાર રસ્તા ખાતે 'વિજય વિશ્વાસ જનસભા' ગજવી હતી. વેડ કતારગામ વિસ્તારમાં આયોજિત આ સભામાં મુખ્યમંત્રીએ ભાજપના ઉમેદવારો માટે મત માંગતા વિપક્ષો પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, "ઇલેક્શન આવે એટલે જાત-જાતનું સાંભળવા મળે અને અત્યારે તો રીલવાળાનો જમાનો થઈ ગયો છે, પણ જનતા બધું જાણે છે."
વિકાસની રાજનીતિ અને સુરત
મુખ્યમંત્રીએ સુરતના વિકાસના વખાણ કરતા કહ્યું કે, વિકાસની રાજનીતિનો સૌથી વધુ લાભ સુરતને મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૬૫ દિવસ લાઈટ અને પાણીની વ્યવસ્થા કરી આપી છે. વર્ષ 2003માં શરૂ થયેલા વાઈબ્રન્ટ ગુજરાતનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું કે, આજે ગુજરાતમાં 100 થી 500 જેટલી મોટી આંતરરાષ્ટ્રીય કંપનીઓ કાર્યરત છે. MSME ક્ષેત્રે થયેલી પ્રગતિ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, આજે ગુજરાતમાં 27 લાખ જેટલા MSME એકમો ધમધમી રહ્યા છે.













