ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને શ્રીલંકા વચ્ચે પાંચ મેચની T20 સિરીઝની ચોથી મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. ચમારી અટાપટ્ટુએ ટોસ જીતીને ટીમ ઈન્ડિયાને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. તેનો ફાયદો ઉઠાવતા ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ 20 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 221 રન બનાવ્યા હતા.


જેના જવાબમાં શ્રીલંકા ફક્ત 191 રન જ બનાવી શક્યું અને 30 રનથી મેચ હારી ગયું. ટીમ ઈન્ડિયાએ સતત ચોથી મેચ જીતી. આ સાથે ટીમ ઈન્ડિયા ક્લીન સ્વીપ તરફ આગળ વધી રહ્યું છે.

ભારતીય બેટ્સમેનોએ મચાવી ધૂમ

ટોસ હારીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર શરૂઆત કરી. ઓપનર શેફાલી વર્માએ 171.74 ના સ્ટ્રાઈક રેટથી 46 બોલમાં 79 રન બનાવ્યા, જેમાં 12 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા છે. સુપરસ્ટાર સ્મૃતિ મંધાનાએ પણ 48 બોલમાં 80 રન બનાવ્યા, જેમાં 11 ચોગ્ગા અને 3 જબરદસ્ત છગ્ગા ફટકાર્યા છે.


અંતે વિકેટકીપર-બેટ્સમેન રિચા ઘોષે માત્ર 16 બોલમાં 3 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે અણનમ 40 રન બનાવ્યા. ભારતે 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 221 રન બનાવ્યા. શ્રીલંકા માટે માલશા શેહાનીએ બેસ્ટ બોલિંગ કરી અને 1 વિકેટ લીધી. 

ટીમ ઈન્ડિયાની સતત ચોથી જીત

વિશાળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની કેપ્ટન ચમારી અટાપટ્ટુએ 37 બોલમાં 52 રન બનાવ્યા. હસિની પરેરાએ પણ 20 બોલમાં 33 રન બનાવ્યા. બંને ઓપનરો પછી કોઈ પણ આક્રમક રીતે મોટી ઈનિંગ રમી શક્યું નહીં. ઈમેશા દુલાનીએ ખરાબ બેટિંગ કરી, 28 બોલમાં માત્ર 29 રન બનાવ્યા. પરિણામે શ્રીલંકા 20 ઓવરમાં 6 વિકેટે 191 રન જ બનાવી શક્યું. ટીમ ઈન્ડિયા માટે અરુંધતી રેડ્ડી અને વૈષ્ણવી શર્માએ 2-2 વિકેટ લીધી, જેનાથી ભારતને સતત ચોથી મેચ જીતવામાં મદદ મળી. 2025ના ODI વર્લ્ડકપ પછી ભારતીય મહિલા ખેલાડીઓ T20 ક્રિકેટમાં પણ પ્રભુત્વ જાળવી રાખ્યું છે.

આ પણ વાંચો: Smriti Mandhanaએ હાંસલ કરી ઐતિહાસિક સિદ્ધિ, સૌથી ઝડપી 10,000 રન બનાવવાનો બનાવ્યો રેકોર્ડ


  • Follow us on: