વિમન્સ પ્રીમિયર લીગ 2026 9 જાન્યુઆરીથી શરૂ થશે. આ ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીએ એક મોટો નિર્ણય લીધો છે. ટીમે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન લેગ-સ્પિનર ક્રિસ્ટન બીમ્સને એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે.
ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે ક્રિસ્ટન બીમ્સને ટીમના સ્પિન બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. WPLની ચોથી સીઝન 9 જાન્યુઆરીથી શરૂ થશે અને ટુર્નામેન્ટની અંતિમ મેચ 5 ફેબ્રુઆરીએ રમાશે.
MIએ સોશિયલ મીડિયા પર શેર કર્યો એક ખાસ વીડિયો
મુંબઈ ફ્રેન્ચાઈઝીએ સોશિયલ મીડિયા દ્વારા ક્રિસ્ટન બીમ્સની કોચ તરીકે નિમણૂકની જાહેરાત કરી. MIના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં ક્રિસ્ટને કહ્યું કે "કોચ તરીકે આ મારો પહેલો સમય છે. ઝુલન ગોસ્વામી સાથે કામ કરવાની આ એક બેસ્ટ તક છે, મેં જેમની સામે ક્રિકેટ રમી છે તેમાંથી એક મહાન ખેલાડી છે."
ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે આગળ કહ્યું કે "તે અદ્ભુત છે કે ટીમે આટલા લાંબા સમય સુધી જીતનો સિલસિલો બનાવ્યો છે. તમે દરેકને વાત કરતા સાંભળો છો કે ખેલાડીઓનું આ જૂથ કેટલું જોડાયેલું છે. તે એક પરિવાર છે. તમે તે પરિવારનો ભાગ બનવા માગો છો. મને લાગે છે કે કોચ તરીકે, તમે તે જ કરવા માગો છો. એવા વાતાવરણમાં જવા માટે જે ખરેખર મજબૂત લાગે. એવી ટીમમાં જોડાવા માટે જે જીતવાનું જાણે છે."
ઓસ્ટ્રેલિયા તરફથી રમી ચૂકી છે ક્રિસ્ટન બીમ્સ
41 વર્ષની ક્રિસ્ટન બીમ્સે ઓસ્ટ્રેલિયન વિમન્સ ટીમ માટે અનેક વર્લ્ડકપ અભિયાનમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. 2017ના વનડે વર્લ્ડકપમાં તે અગ્રણી વિકેટ લેનાર બોલરોના લિસ્ટમાં ત્રીજા નંબરે હતી. કોચિંગમાં કરિયર બનાવતા પહેલા ક્રિસ્ટન બીમ્સે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 1 ટેસ્ટ, 30 વનડે અને 18 T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. તેણે મહિલા બિગ બેશ લીગમાં 45 T20 મેચ પણ રમી હતી, જેમાં 42 વનડે અને T20 ઈન્ટરનેશનલ મેચમાં 20 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: 6,6,6,6,6... દિલ્હી કેપિટલ્સના બેટ્સમેને ફટકારી ધમાકેદાર અડધી સદી