ICC T20 વર્લ્ડકપ 2026માં સાઉથ આફ્રિકા સામે ગ્રુપ D મેચમાં હાર બાદ અફઘાનિસ્તાન ટીમ માટે ખરાબ સમાચાર આવ્યા છે. ICCએ ટીમના અનુભવી ઓલરાઉન્ડર મોહમ્મદ નબી સામે આચારસંહિતાના ઉલ્લંઘન બદલ કડક કાર્યવાહી કરી છે.
મોહમ્મદ નબી પર તેની મેચ ફીના 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. ICC એ કહ્યું કે નબીએ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે બનાવેલી આચારસંહિતાના કલમ 2.4નું ઉલ્લંઘન કર્યું છે. આ કલમ ઈન્ટરનેશનલ મેચ દરમિયાન એમ્પાયરના નિર્દેશોનું ઉલ્લંઘન કરવા સાથે સંબંધિત છે. આ કિસ્સામાં મોહમ્મદ નબીના રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે. છેલ્લા 24 મહિનામાં આ તેનો પહેલો ગુનો છે.
મોહમ્મદ નબીએ સ્વીકારી પોતાની ભૂલ
આ ઘટના અફઘાનિસ્તાનની ઈનિંગની 14મી ઓવરની શરૂઆતમાં બની હતી. સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર લુંગીએનગિડીના કાંડા પર બાંધેલા બેલ્ટને લઈને મોહમ્મદ નબીનો એમ્પાયરો સાથે લાંબો વિવાદ થયો હતો. આ દરમિયાન એમ્પાયરોની સૂચનાઓનું ઉલ્લંઘન કરવાનો કેસ નોંધાયો હતો, જેના પગલે તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
મોહમ્મદ નબીએ મેચ રેફરી ડેવિડ ગિલ્બર્ટ દ્વારા પ્રસ્તાવિત દંડ સ્વીકાર્યો હતો, જેના કારણે ઔપચારિક સુનાવણીની જરૂરિયાત દૂર થઈ ગઈ હતી. મોહમ્મદ નબી સામે ઓન-ફિલ્ડ એમ્પાયર જયરામન મદનગોપાલ અને શરફુદ-ઉદ-દૌલા ઈબ્ને શાહિદ, થર્ડ અમ્પાયર નીતિન મેનન અને ફોર્થ અમ્પાયર કેએન અનંતપદ્મનાભન દ્વારા આ આરોપ લગાવવામાં આવ્યો હતો.
અફઘાનિસ્તાન પહેલી જીતની શોધમાં
ICCની લેવલ 1 સિરીઝ હેઠળ ન્યૂનતમ સજા સત્તાવાર ઠપકો છે, જ્યારે મહત્તમ સજા મેચ ફીના 50 ટકા દંડ અને 1 કે 2 ડીમેરિટ પોઈન્ટ હોઈ શકે છે. જો કોઈ ખેલાડી 24 મહિનાની અંદર 4 કે તેથી વધુ ડીમેરિટ પોઈન્ટ એકઠા કરે છે, તો તે સસ્પેન્શન પોઈન્ટમાં રૂપાંતરિત થાય છે અને ખેલાડી પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. 2 સસ્પેન્શન પોઈન્ટનો અર્થ 1 ટેસ્ટ, 2 ODI અથવા 2 T20I મેચ, જે પણ પહેલા આવે તેમાં સસ્પેન્શન થાય છે.
ડીમેરિટ પોઈન્ટ ખેલાડીના રેકોર્ડ પર 24 મહિના સુધી રહે છે અને પછી તેને દૂર કરવામાં આવે છે. અફઘાનિસ્તાનના સ્ટાર ખેલાડી સામેની આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે ટીમ પહેલાથી જ ટુર્નામેન્ટમાં તેની લય શોધી રહી છે.
આ પણ વાંચો: Team Indiaનું વધ્યું ટેન્શન, જસપ્રીત બુમરાહના યોર્કર બોલથી ઈશાન કિશન થયો ઈજાગ્રસ્ત