ભારતની સૌથી મોટી ડોમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ વિજય હજારે ટ્રોફી હાલમાં ચાલી રહી છે. 29 ડિસેમ્બરના રોજ દિલ્હીની આ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર સામે મેચ થઈ હતી. દિલ્હીએ આ મેચ 3 વિકેટથી જીતી હતી.


આ મેચમાં વિરાટ કોહલી દિલ્હી તરફથી રમી રહ્યો ન હતો અને કેપ્ટન રિષભ પંત પણ પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો હતો, છતાં દિલ્હીએ 321 રનનો ટાર્ગેટ સરળતાથી પ્રાપ્ત કર્યો અને રોમાંચક જીત મેળવી.

સૌરાષ્ટ્ર તરફથી વિશ્વરાજ જાડેજાએ શાનદાર સદી ફટકારી

મેચની વાત કરીએ તો દિલ્હીના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. સૌપ્રથમ બેટિંગ કરતા સૌરાષ્ટ્રએ 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 320 રન બનાવ્યા. સૌરાષ્ટ્ર માટે આ મેચમાં ઓપનર વિશ્વરાજ જાડેજાએ 104 બોલમાં 115 રનની સદી ફટકારી. આ દરમિયાન તેને 13 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યા. રુચિત આહિરે નીચલા ક્રમમાં આવીને 65 બોલમાં 95 રન બનાવ્યા. આ દરમિયાન તેને 7 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા. દિલ્હીની બોલિંગની વાત કરીએ તો નવદીપ સૈનીએ 10 ઓવરમાં 41 રન આપીને 3 વિકેટ લીધી. તેના સિવાય પ્રિન્સ યાદવે 2 વિકેટ લીધી.

નવદીપ સૈનીએ પણ બેટિંગમાં આપ્યું યોગદાન

321 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની શરૂઆત સારી રહી. પ્રિયાંશ આર્ય અને અર્પિત રાણાએ પહેલી વિકેટ માટે 49 રનની પાર્ટનરશીપ કરી. 321 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હી એક સમયે 6 વિકેટના નુકસાને 248 રનના સ્કોર પર મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. પરંતુ અહીંથી નવદીપ સૈની અને હર્ષ ત્યાગીએ બાજી સંભાળી અને સાથે મળીને સાતમી વિકેટ માટે 69 રનની પાર્ટનરશીપ કરી. નવદીપ સૈનીએ 29 બોલનો સામનો કરીને 34 રનની મજબૂત ઈનિંગ રમી. આ તેને 2 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. હર્ષે પણ સારી બેટિંગ કરી અને 45 બોલમાં 49 રન બનાવ્યા. તેને પોતાની ઈનિંગમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો.

કેપ્ટન રિષભ પંતનું નિરાશાજનક પ્રદર્શન

આ મેચમાં દિલ્હીના કેપ્ટન રિષભ પંતનું બેટ સંપૂર્ણપણે શાંત રહ્યું. રિષભ પંત સારી શરૂઆતનો લાભ લેવામાં નિષ્ફળ ગયો અને 26 બોલમાં ફક્ત 22 રન બનાવી શક્યો. દિલ્હી તરફથી પ્રિયાંશ આર્યએ સૌથી વધુ 78 રન બનાવ્યા, જેમાં તેને પોતાની ઈનિંગ દરમિયાન 5 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા. આ ટુર્નામેન્ટમાં દિલ્હીની સતત ત્રીજી જીત છે. દિલ્હી 6 જાન્યુઆરીએ રેલવે સામે મેચ રમશે, જેમાં વિરાટ કોહલી રમતા જોવા મળી શકે છે.

આ પણ વાંચો: KKRના સ્ટાર બેટરે હોસ્પિટલમાંથી રજા મળતાની સાથે જ મેદાનમાં મચાવી ધૂમ, ટીમને અપાવી જીત



  • Follow us on: