WPL 2026ની છેલ્લી લીગ સ્ટેજ મેચ 1 ફેબ્રુઆરીના રોજ UP વોરિયર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. દિલ્હીએ 5 વિકેટથી જીત મેળવીને એલિમિનેટરમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું. પહેલા બેટિંગ કરતા UPW 8 વિકેટ ગુમાવીને માત્ર 122 રન જ બનાવી શક્યું.
ત્યારબાદ દિલ્હીએ 18.4 ઓવરમાં 123 રનનો ટાર્ગેટ સરળતાથી મેળવી લીધો. આ મેચથી સ્પષ્ટ થઈ ગયું કે એલિમિનેટરમાં કઈ ટીમો એકબીજાનો સામનો કરશે.
આ મેચ દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પહેલાથી જ ફાઈનલ માટે ક્વોલિફાય થઈ ગયું છે. ગુજરાત જાયન્ટ્સ પણ એલિમિનેટર સુધી પહોંચી ગયું છે, જ્યાં તેઓ હવે દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. આ એલિમિનેટર મેચ 3 ફેબ્રુઆરીએ વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં રમાશે. એલિમિનેટર પછી 5 ફેબ્રુઆરીએ ફાઈનલ રમાશે. એલિમિનેટર વિનર ટીમ સાથે આરસીબીની ફાઈનલ મેચમાં ટક્કર થશે.
ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ બહાર થઈ ગયું
આ મેચ સાથે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને યુપી વોરિયર્સની આ સિઝનની સફરનો અંત આવ્યો. મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનમાં ગ્રુપ સ્ટેજમાં 8 માંથી ફક્ત 3 મેચ જીતી શક્યું અને 5 હાર્યું. 6 પોઈન્ટ સાથે તેમની ટીમ ચોથા સ્થાને રહી.
યુપી વોરિયર્સની વાત કરીએ તો ટીમ ગ્રુપ સ્ટેજમાં 8 માંથી ફક્ત 2 મેચ જીતી શકી અને 6 હારી. તેમની ટીમ 4 પોઈન્ટ સાથે ટેબલમાં છેલ્લા સ્થાને રહી.
મુંબઈની ટીમે બે વાર ટાઈટલ જીત્યું
આ WPLની ચોથી સીઝન છે. આ લીગ 2023માં શરૂ થઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સે પહેલી સીઝન જીતી હતી. 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ જીત્યું. 2025માં મુંબઈએ ફરીથી ટાઈટલ જીત્યું. 2026માં કઈ ટીમ જીતે છે તે જોવું રસપ્રદ રહેશે.
આ પણ વાંચો: U19 World Cupમાં પાકિસ્તાનની ખરાબ ફિલ્ડિંગ, એક જ બોલ પર કરી 2 મોટી ભૂલ