વિશ્વના સૌથી મોટા રમત ઉત્સવ પૈકીના એક એવા FIFA ફૂટબોલ વર્લ્ડ કપ 2026ની શરૂઆત આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છેત્યારે રમત જગતમાં એક મોટો રાજદ્વારી અને રમતગમત વિવાદ સામે આવ્યો છે.ઈરાનની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ પર અમેરિકા પ્રવેશવા માટે વિઝા સંકટ ઊભું થયું છે.સંયુક્ત રાજ્ય અમેરિકા (US) તરફથી હજુ સુધી વિઝા ક્લિયરન્સ ન મળવાને કારણે ઈરાનની આખી ફૂટબોલ ટીમ અને સપોર્ટ સ્ટાફ ભારે ચિંતામાં મુકાયા છે.


રાજકીય તણાવની રમત પર અસર?

અમેરિકા અને ઈરાન વચ્ચેના ભૌગોલિક-રાજકીય (Geopolitical) તણાવની અસર હવે રમતગમતના મેદાન પર પણ દેખાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.વર્ષ 2026નો ફિફા વર્લ્ડ કપ અમેરિકા,કેનેડા અને મેક્સિકો દ્વારા સંયુક્ત રીતે હોસ્ટ કરવામાં આવી રહ્યો છે,જેમાં ઈરાનની ટીમે પણ ક્વોલિફાય કર્યું છે.જોકે,યુએસ વિઝા પોલિસી અને બંને દેશો વચ્ચેના સંબંધોને કારણે ખેલાડીઓના દસ્તાવેજોની પ્રક્રિયા અટકી પડી છે.

ફૂટબોલ ફેન્સની ચિંતા વધી

જો સમયસર અમેરિકા સરકાર ઈરાનની ટીમને વિઝા મંજૂર નહીં કરે, તો ઈરાન વર્લ્ડ કપની પોતાની શરૂઆતની મેચો ગુમાવી શકે છે અથવા ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડી શકે છે. આ મામલે ઈરાન ફૂટબોલ ફેડરેશને ફિફા સમક્ષ પણ સત્તાવાર રજૂઆત કરી છે, કારણ કે ફિફાના નિયમો મુજબ યજમાન દેશે ક્વોલિફાય થયેલી તમામ ટીમોના ખેલાડીઓને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવી ફરજિયાત હોય છે. હવે આખી દુનિયાની નજર યુએસ વહીવટીતંત્રના આગામી નિર્ણય પર ટકેલી છે.

ટીમનો બેઝ કેમ્પ મેક્સિકોમાં હશે

ઈરાની ટીમના ખેલાડીઓને મેક્સિકોના વિઝા મળી ગયા છે. વર્લ્ડ કપ દરમિયાન ટીમનો બેઝ કેમ્પ તિજુઆના, મેક્સિકોમાં હશે. રસપ્રદ વાત એ છે કે, 2026નો વર્લ્ડ કપ સંયુક્ત રીતે યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને મેક્સિકો દ્વારા યોજાઈ રહ્યો છે. જોકે ઈરાનની ટીમ મેક્સિકોમાં રહેશે, પરંતુ તેની ગ્રુપ G ની ત્રણેય મેચ યુનાઈટેડ સ્ટેટ્સમાં રમાશે. પરિણામે, ટીમને દરેક મેચ માટે મેક્સિકોથી USA જવું પડશે, જેમાં યુએસ વિઝાની જરૂર પડશે.

USA માં ઈરાનનો મેચ શેડ્યૂલ

ઈરાની ટીમ ટુર્નામેન્ટનો પોતાનો પહેલો મુકાબલો 16 જૂને ન્યુઝીલેન્ડ સામે રમશે. ત્યારબાદ 21 જૂને તેનો મુકાબલો બેલ્જિયમ સામે થશે. 26 જૂને ઈરાન ઈજિપ્ત સામે રમશે. વિઝાની સમસ્યાઓ વચ્ચે, ઈરાની ફૂટબોલ ટીમ વર્લ્ડ કપ માટે સતત મહેનત કરી રહી છે.

આ પણ વાંચો - World Yoga Championship: પ્રથમ દિવસે જ ભારતનો દબદબો, 6માંથી 5 ગોલ્ડ મેડલ દેશના નામે



  • Follow us on: