ગુજરાતમાં ચોમાસાએ દ્વાર ખખડાવ્યા છે. ત્યારે ખેડા જિલ્લામાં પણ વહેલી સવારથી મેઘરાજાએ તોફાની ઇનિંગ રમીને જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી છે. જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી જ અચાનક પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. ખેડા જિલ્લાના ગલતેશ્વર પંથકમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે, જેને પગલે સર્વત્ર પાણી-પાણી થઈ ગયું છે.
2 કલાકના ટૂંકા ગાળામાં જ 2.5 ઇંચ જેટલો મુશળધાર વરસાદ
આજના વરસાદના આંકડા પર નજર કરીએ તો, ખેડા જિલ્લામાં સવારે 6 થી 8 વાગ્યા સુધીના માત્ર 2 કલાકના ટૂંકા ગાળામાં જ 2.5 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબકી ગયો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ સેવાલિયા, માલવણ અને થર્મલ વિસ્તારમાં નોંધાયો છે, જ્યાં ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વહેલી સવારના સમયે જ ખાબકેલા આ વરસાદને કારણે તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.













