આફ્રિકન દેશ સુદાનમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલું ભયાનક ગૃહયુદ્ધ હવે વધુ લોહિયાળ મોડ પર આવી પહોંચ્યું છે. દેશના વ્યૂહાત્મક રીતે અતિ મહત્વપૂર્ણ એવા 'અલ-ઓબેદ' (El Obeid) શહેર પર પેરામિલીટરી ગ્રૂપ રેપિડ સપોર્ટ ફોર્સીસ (RSF) દ્વારા ગમે તે ઘડીએ મોટો ગ્રાઉન્ડ એટેક થવાની આશંકા સેવાઈ રહી છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) અને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી સંગઠનોએ ચેતવણી આપી છે કે જો આ હુમલો રોકવામાં નહીં આવે, તો અહીં પણ ભૂતકાળની જેમ ભયાનક નરસંહાર (Genocide) જોવા મળી શકે છે.


અલ-ઓબેદ શહેર પર કેમ મંડરાઈ રહ્યું છે સંકટ?

ઉત્તર કોર્ડોફાન રાજ્યની રાજધાની અલ-ઓબેદ લગભગ 5 લાખથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. તે સુદાનના પાટનગર ખાર્તુમ, સેન્ટ્રલ સુદાન અને પશ્ચિમી દારફુર ક્ષેત્રને જોડતો મુખ્ય માર્ગ છે. આથી, સેના (SAF) અને પેરામિલીટરી ફોર્સ (RSF) બંને માટે આ શહેર પર કબજો મેળવવો લશ્કરી દ્રષ્ટિએ ખૂબ જરૂરી છે. છેલ્લા કેટલાક દિવસોથી RSF એ આ શહેરની આસપાસ સૈન્ય જમાવડો ભારે માત્રામાં વધારી દીધો છે અને ડ્રોન હુમલા તેજ કર્યા છે.

ભૂતકાળના નરસંહારનું પુનરાવર્તન થવાનો ડર

યુએનના માનવાધિકાર હાઈ કમિશનરે એક કડક ચેતવણી જારી કરતા જણાવ્યું છે કે, સુદાનમાં અગાઉ જે રમત રમાઈ ચૂકી છે, તે જ સ્ક્રિપ્ટ અહીં પણ જોવા મળી રહી છે. ગયા વર્ષે જ્યારે RSF એ 'અલ-ફાશર' (El Fasher) શહેર પર કબજો કર્યો હતો, ત્યારે માત્ર ત્રણ દિવસમાં 6,000 થી વધુ નિર્દોષ નાગરિકોની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. વૈશ્વિક સંસ્થાઓના મતે તે નરસંહાર સમાન હતું. હવે અલ-ઓબેદમાં પણ એ જ પ્રકારની કત્લેઆમ થવાનો ભય વર્તાઈ રહ્યો છે.

5 લાખ લોકો પર સીધું જોખમ

અલ-ઓબેદ હાલમાં લાખો આંતરિક રીતે વિસ્થાપિત થયેલા શરણાર્થીઓ માટે આશ્રયસ્થાન છે. શહેરમાં સતત થઈ રહેલા ડ્રોન અને તોપમારાના કારણે વીજળી, પાણી અને તબીબી સુવિધાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. જો અન્ન અને માનવતાવાદી સહાયનો પુરવઠો તાત્કાલિક પહોંચાડવામાં નહીં આવે, તો યુદ્ધ ઉપરાંત ભૂખમરો પણ હજારો લોકોનો જીવ લઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે (UNSC) આ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરીને RSF ને સૈન્ય કાર્યવાહી તાત્કાલિક રોકવા અપીલ કરી છે, પરંતુ જમીની હકીકત જોતાં સ્થિતિ અત્યંત નાજુક બની ગઈ છે.

આ પણ વાંચો:Europe Heatwave:ફ્રાન્સ-ઇટાલીમાં તાપમાન 40°C પાર, રેડ એલર્ટ વચ્ચે ટ્રેનો થંભી, પ્રવાસીઓ અટવાયા

  • Follow us on: