જ્યારે વિશ્વના મોટાભાગના દેશો મધ્ય પૂર્વના યુદ્ધ અને તેલ-ગેસના ખોરવાયેલા પુરવઠાથી ચિંતિત છે, ત્યારે ભારત પોતાની આર્થિક શક્તિ વધારવા માટે સતત મોટા સોદા કરી રહ્યું છે. દક્ષિણ કોરિયા, જર્મની અને યુરોપિયન યુનિયન સાથેના કરારો બાદ, હવે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે લાંબા સમયથી પ્રતીક્ષિત મુક્ત વેપાર કરાર (FTA) પર સોમવારે, 27 એપ્રિલે હસ્તાક્ષર થવા જઈ રહ્યા છે. આ કરાર બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોમાં એક નવો અધ્યાય લખશે.
ન્યુઝીલેન્ડના વડાપ્રધાને તેને સફળતા ગણાવી
ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને આ કરારની જાહેરાત કરતા તેને 'આર્થિક સફળતા' ગણાવી છે. આ સમજૂતીથી ન્યુઝીલેન્ડના નિકાસકારોને ભારતના 1.4 અબજ ગ્રાહકોના વિશાળ બજારનો સીધો લાભ મળશે. માર્ચ 2025માં શરૂ થયેલી વાટાઘાટો હવે અંતિમ અંજામ સુધી પહોંચી છે. નોંધનીય છે કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેનો વેપાર વર્ષ 2024-25માં 49% વધીને 1.3 અબજ યુએસ ડોલર સુધી પહોંચ્યો છે, જેમાં ભારત ન્યુઝીલેન્ડ પાસેથી આયાત કરવા કરતા ત્યાં નિકાસ વધુ કરે છે, જે ભારત માટે સકારાત્મક વેપાર સંતુલન દર્શાવે છે.
ભારતને થનારા મુખ્ય ફાયદા
IT અને સેવા ક્ષેત્ર: ભારતીય IT કંપનીઓ અને પ્રોફેશનલ્સ માટે ન્યુઝીલેન્ડના બજારમાં પ્રવેશ સરળ બનશે.
નિકાસમાં વૃદ્ધિ: ફાર્માસ્યુટિકલ્સ, મશીનરી, કાપડ અને કિંમતી રત્નોની નિકાસમાં મોટો ઉછાળો આવશે.
યુવાનો માટે તકો: આ કરારથી ભારતીય વિદ્યાર્થીઓ માટે ન્યુઝીલેન્ડમાં અભ્યાસ અને રોજગાર મેળવવાની પ્રક્રિયા સરળ બનશે.
ન્યુઝીલેન્ડને શું મળશે?
ન્યુઝીલેન્ડ વિશ્વના સૌથી મોટા ડેરી નિકાસકારોમાંનું એક છે. આ કરાર દ્વારા ન્યુઝીલેન્ડના ડેરી ઉત્પાદનો, કિવિફ્રૂટ્સ, વાઇન અને લાકડાના પલ્પને ભારતીય બજારોમાં વધુ જગ્યા મળશે. સાથે જ, ભારતીય પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓના વધારાથી ન્યુઝીલેન્ડના પર્યટન અને શિક્ષણ ઉદ્યોગને બુસ્ટ મળશે.
સાંસ્કૃતિક અને સંરક્ષણ જોડાણ
ભારત અને ન્યુઝીલેન્ડ માત્ર વેપાર જ નહીં, પણ ઊંડો ઐતિહાસિક સંબંધ પણ ધરાવે છે. બંને દેશોની સેનાઓ પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં સાથે લડી હતી. આજે ન્યુઝીલેન્ડમાં આશરે 3,00,000 ભારતીયો વસે છે, જેઓ ત્યાંના અર્થતંત્રમાં ડૉક્ટર, એન્જિનિયર અને આઈટી નિષ્ણાતો તરીકે મહત્ત્વનું યોગદાન આપી રહ્યા છે. હિન્દી ત્યાંની પાંચમી સૌથી વધુ બોલાતી ભાષા છે.
આ પણ વાંચોઃ Denmark Trains collision: ડેનમાર્કમાં બે ટ્રેન વચ્ચે ભયંકર ટક્કર, 5 લોકો ગંભીર રીતે ઘાયલ