ઈરાનના બેન્કિંગ સેક્ટર પર મોટાપાયે થયેલા સાયબર હુમલાએ દેશની નાણાકીય સેવાઓને ગંભીર રીતે અસર કરી છે. આ સાયબર એટેકના કારણે દેશની ત્રણ મુખ્ય બેન્કોની કાર્ડ આધારિત સેવાઓને તાત્કાલિક બંધ કરવી પડી છે, જેના પરિણામે ગ્રાહકોને ટ્રાન્ઝેક્શન કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
મોબાઈલ બેન્કિંગ એપ્લિકેશન્સ પણ પ્રભાવિત
માહિતી મુજબ, બેન્ક મેલી, બેન્ક સદરાત અને બેન્ક તેજારતને નિશાન બનાવી આ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાના કારણે એટીએમ સેવાઓ, પોઈન્ટ ઓફ સેલ (POS) મશીનો અને મોબાઇલ બેન્કિંગ એપ્લિકેશન્સ પણ પ્રભાવિત થઈ છે. બેન્કોની પબ્લિક રિલેશન ટીમે જણાવ્યું કે સાઇબર સુરક્ષા ટીમો સેવાઓને ફરીથી સામાન્ય કરવા માટે સતત કામગીરી કરી રહી છે.
14 જૂને પણ સાયબર હુમલો થયો હતો
આ પહેલાં પણ 14 જૂને ઈરાનની અનેક મોટી બેન્કો પર સાયબર હુમલો થયો હતો, જેમાં કોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવામાં આવ્યું હતું. તે સમયે પણ બેન્ક મેલી, બેન્ક સદરાત, બેન્ક તેજારત અને એક્સપોર્ટ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઈરાન જેવી સંસ્થાઓ અસરગ્રસ્ત થઈ હતી. મળતી માહિતી મુજબ તે હુમલા બાદ સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં ઘણા દિવસો લાગ્યા હતા.
હુમલામાં ગ્રાહકોનો ડેટા સુરક્ષિત રહ્યો
અધિકારીઓનું કહેવું છે કે તાજેતરના હુમલામાં ગ્રાહકોનો ડેટા સુરક્ષિત રહ્યો છે અને કોઈ ડેટા લીક થયો નથી. જોકે, આ સાયબર હુમલાઓ પાછળ કોણ જવાબદાર છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. અગાઉ ઈરાન આવા હુમલાઓ માટે ઈઝરાયલ જેવા વિદેશી વિરોધીઓને જવાબદાર ઠેરવતું આવ્યું છે, પરંતુ ઈઝરાયલ તરફથી આ બાબતે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
આ પણ વાંચો : Strait Of Hormuz બંને તરફથી ખૂલ્યો, 11 ભારતીય જહાજો હેમખેમ પસાર થયા, હજુ 10 જહાજ રાહ જોઈ રહ્યા છે