વૈશ્વિક રાજકારણમાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે ઈરાને એક મોટો અને કડક રાજદ્વારી નિર્ણય લીધો છે. ઈરાને તેના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામૈનીના અંતિમ સંસ્કાર (જનાઝા)ની રસ્મોમાં સામેલ થવા માટે યુરોપિયન દેશોને સત્તાવાર આમંત્રણ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. ઈરાનના વિદેશ મંત્રાલયે આ અંગે સત્તાવાર નિવેદન જાહેર કરીને પશ્ચિમી જગત પ્રત્યે પોતાનો ભારે આક્રોશ ઠાલવ્યો છે.
'ખોટા પક્ષે ઊભા રહેનારાઓને સન્માન નહીં'
ઈરાનના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, જે દેશો ઇતિહાસના ખોટા પક્ષે (પન્ના પર) ઊભા છે, તેમને આ પવિત્ર અને સન્માનજનક સમારોહમાં સામેલ થવાનું ગૌરવ મળી શકે નહીં. ઈરાન સરકારના આ વલણને પશ્ચિમી દેશો અને ખાસ કરીને યુરોપિયન યુનિયનની નીતિઓ સામે એક કડક રાજકીય અને રાજદ્વારી સંદેશ માનવામાં આવી રહ્યો છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે વૈશ્વિક દબાણ સામે ઝૂકશે નહીં.
4 જુલાઈથી શરૂ થશે જનાઝાની રસ્મો
અયાતુલ્લા અલી ખામૈનીનું અવસાન 28 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકા અને ઈઝરાયેલના એક સંયુક્ત હવાઈ હુમલામાં થયું હતું. તેહરાન સ્થિત તેમના નિવાસસ્થાન પર થયેલી આ એરસ્ટ્રાઈકમાં તેમના પરિવારના કેટલાક સભ્યોએ પણ જીવ ગુમાવ્યો હતો. તેમના મૃત્યુના આશરે 133 દિવસ બાદ, આગામી 4 જુલાઈથી તેમના જનાઝાની અંતિમ રસ્મો શરૂ થવા જઈ રહી છે. ત્યારબાદ 9 જુલાઈએ મશહદ ખાતે તેમને સુપુર્દ-એ-ખાક (દફન) કરવામાં આવશે. આ અંતિમ વિધિમાં વિશ્વભરમાંથી લાખો લોકો અને અનેક દેશોના રાજદ્વારી પ્રતિનિધિઓ ભાગ લે તેવી શક્યતા છે.
ભારત તરફથી બે ખાસ પ્રતિનિધિઓ હાજરી આપશે
યુરોપિયન દેશોને ભલે આ યાદીમાંથી બહાર રાખવામાં આવ્યા હોય, પરંતુ ભારત અને ઈરાનના મજબૂત સંબંધો આ નિર્ણયમાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. અયાતુલ્લા ખામૈનીના જનાઝામાં ભારત સરકાર તરફથી બે ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓ હાજરી આપશે. જેમાં કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી પબિત્રા માર્ગેરિટા અને બિહારના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) સૈયદ અતા હસનૈનનો સમાવેશ થાય છે. બંને નેતાઓ ભારતનું પ્રતિનિધિત્વ કરીને ઈરાનની આ અંતિમ વિધિમાં સામેલ થશે.
આ પણ વાંચો:India Pakistan: પાણી વિના ટળવળતા પાકિસ્તાને દુનિયા પાસે માંગી મદદ, આતંકવાદ નાબૂદ થયા પછી જ પાણી આપવા ભારત મકકમ