પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાયા છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરના અહેવાલો મુજબ, ઈરાને ફરી એકવાર વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વની ગણાતી 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' બંધ કરી દીધી હોવાના સમાચાર સામે આવ્યા છે.
દુશ્મનોના જહાજોને પ્રવેશ નહીં: ઈરાન
ઈરાની સરકારી મીડિયાએ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં ટ્રેકિંગ ડેટા બતાવે છે કે હોર્મુઝથી અનેક જહાજો પાછા ફરી રહ્યા છે. ઈરાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, "લશ્કરી અને શત્રુ દેશોના જહાજોને આ સામુદ્રધુનીમાંથી પસાર થવાનો કોઈ અધિકાર નથી." અમેરિકા દ્વારા નાકાબંધી ચાલુ રાખવામાં આવતા ઈરાને આ કડક પગલું ભર્યું હોવાનું મનાય છે.
ટ્રમ્પની કડક ચેતવણી: "બુધવાર સુધીનો સમય છે"
બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે જણાવ્યું છે કે જો ઈરાન તેમની શરતો સ્વીકારીને બુધવાર સુધીમાં કરાર પર હસ્તાક્ષર નહીં કરે, તો અમેરિકા ફરીથી તેહરાન પર બોમ્બમારો શરૂ કરશે. ટ્રમ્પે સીઝફાયર (યુદ્ધવિરામ) લંબાવવાનો પણ સાફ ઇનકાર કરી દીધો છે.
પરમાણુ કાર્યક્રમ મુદ્દે મડાગાંઠ
વિવાદનું મુખ્ય કેન્દ્ર ઈરાનનો પરમાણુ કાર્યક્રમ છે. ટ્રમ્પનો દાવો છે કે ઈરાન યુરેનિયમ છોડવા તૈયાર છે, પરંતુ ઈરાને સ્પષ્ટ કર્યું છે કે યુરેનિયમ સંવર્ધન એ દેશની પવિત્ર સંપત્તિ છે અને તે કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. હવે જોવાનું એ રહેશે કે બુધવાર પહેલા કોઈ રાજદ્વારી ઉકેલ આવે છે કે વિશ્વ વધુ એક વિનાશક યુદ્ધ તરફ આગળ વધે છે.
આ પણ વાંચો:Sheikh Hasinaને બાંગ્લાદેશને સોંપવામાં આવશે? ભારત સરકાર શું વિચારી રહી છે, વિદેશ મંત્રાલયે આપી માહિતી