અમેરિકી નૌકાદળની ચેતવણીઓને અવગણીને મંગળવારે એક ઈરાની ટેન્કર અરબી સમુદ્ર પાર કરીને ઈરાની જળસીમામાં પ્રવેશી ગયું છે. અમેરિકી નૌકાદળની ટાસ્ક ફોર્સની સૂચનાઓ છતાં, ઈરાની સેના અને નૌકાદળના સમર્થનથી ટેન્કર 'સિલી સિટી' એ રાતોરાત અરબી સમુદ્ર પાર કર્યો હતો. આ ટેન્કર હવે ઈરાનના દક્ષિણી બંદર પર લાંગરવામાં આવ્યું છે.
ટ્રમ્પની બેચેની વધી ગઈ છે
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધવિરામ પૂરો થવામાં હવે માત્ર ૧ દિવસનો સમય બાકી રહ્યો છે. ઈરાન તરફથી શાંતિ વાર્તા માટે કોઈ સત્તાવાર પ્રતિસાદ ન મળતા ડોનાલ્ડ ટ્રમ્પની બેચેની વધી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રમ્પ હવે સીધા ઈરાનના ટોચના નેતાઓ સાથે વાત કરી શકે છે, કારણ કે તેઓ કોઈ પણ સંજોગોમાં આ યુદ્ધનો અંત લાવવા માંગે છે.બીજી તરફ, ઈરાની સરકારી મીડિયાનો દાવો છે કે તેહરાનનો કોઈ પ્રતિનિધિ અમેરિકા સાથે વાતચીત કરવા ઈસ્લામાબાદ ગયો નથી, જ્યારે અમેરિકી મીડિયામાં ઈરાન શાંતિ વાર્તામાં સામેલ થઈ રહ્યું હોવાના અહેવાલો વહેતા થયા છે.
ટ્રમ્પની ધમકી અને નવી ડીલનો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ ઈરાનને કડક ચેતવણી આપી હતી કે જો ઈરાન વાતચીત નહીં કરે, તો તેણે એવી સમસ્યાનો સામનો કરવો પડશે જે તેણે પહેલા ક્યારેય જોઈ નથી. જોકે, 'એક્સિયોસ'ના રિપોર્ટ મુજબ, ઈરાનના સુપ્રીમ લીડર મુજતબા ખામેનેઈએ બુધવારે ઈસ્લામાબાદમાં થનારી શાંતિ વાર્તાને લીલી ઝંડી આપી દીધી છે.ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન સાથેની આ નવી સમજૂતી અગાઉની ઈરાન ન્યુક્લિયર ડીલ કરતા 'ક્યાંય વધુ સારી' હશે. બીજી બાજુ, ઈરાની સંસદના અધ્યક્ષ એમબી ગાલિબાફે સ્પષ્ટ કર્યું છે કે ધમકી અને વાતચીત બંને એકસાથે ચાલી શકે નહીં.
હાઈ-લેવલ અમેરિકી ટીમ પાકિસ્તાન પહોંચશે
ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ, જેરેડ કુશનર અને વિશેષ દૂત સ્ટીવ વિટકોફ સહિતની ઉચ્ચ સ્તરીય અમેરિકી ટીમ ઈરાની નેતૃત્વ સાથે મહત્વપૂર્ણ મંત્રણા શરૂ કરવા પાકિસ્તાન પહોંચી રહી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું કે, "ઈરાન સાથે અમે જે ડીલ કરી રહ્યા છીએ તે ઈરાન ન્યુક્લિયર ડીલ કરતા ઘણી શ્રેષ્ઠ હશે."
આ પણ વાંચો:Nepal Econom:નેપાળે કેમ મહિનામાં બે વાર પગાર આપવાનો નિર્ણય લેવો પડ્યો? જાણો શું છે તેનું મુખ્ય કારણ