અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા તાજેતરના શાંતિ કરાર બાદ વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ કરારથી અસંતુષ્ટ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સંકલ્પ કર્યો છે કે હવે ઇઝરાયેલે હથિયારોના નિર્માણમાં સંપૂર્ણપણે આત્મનિર્ભર બનવું પડશે અને વિદેશી નિર્ભરતા ઘટાડવી પડશે. લેબનાન પર પોતાના હુમલા ચાલુ રાખવાની જાહેરાત સાથે નેતન્યાહૂનું આ નિવેદન સ્પષ્ટ સંકેત આપે છે કે ઇઝરાયેલ હવે અમેરિકા પરની ડિફેન્સ નિર્ભરતા ઓછી કરવા માંગે છે. આ સ્થિતિ વચ્ચે સવાલ એ થાય છે કે ગ્લોબલ હથિયારોની મંડીમાં ઇઝરાયેલ ક્યાં ઊભું છે અને કયા દેશો આ રેસમાં સૌથી આગળ છે?


 વૈશ્વિક સ્તરે હથિયારોની નિકાસ કરતા 5 દેશો 


1. સંયુક્ત રાજ્ય અમેરિકા (USA):

અમેરિકા વૈશ્વિક હથિયાર બજારમાં 42 ટકા હિસ્સા સાથે વિશ્વનો સૌથી વધુ હથિયાર વેચનાર દેશ છે. તેનો વાર્ષિક નિકાસ આંકડો 13 થી 32 અબજ ડોલર સુધી પહોંચે છે. અમેરિકા એફ-35, એફ-16 ફાઈટર જેટ, મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ અને સેટેલાઈટ સપોર્ટેડ સિસ્ટમ આખી દુનિયાને વેચે છે. ઇઝરાયેલનો પણ સૌથી મોટો સપ્લાયર અમેરિકા જ છે.

2. ફ્રાન્સ:

યુરોપિયન દેશ ફ્રાન્સ વૈશ્વિક બજારમાં 10 ટકા હિસ્સો ધરાવે છે અને તેનું વાર્ષિક એક્સપોર્ટ આશરે 7 અબજ ડોલર છે. ફ્રાન્સનું 'રાફેલ ફાઈટર જેટ' દુનિયાભરમાં ધૂમ મચાવી રહ્યું છે. આ ઉપરાંત તે સબમરીન અને નેવલ સિસ્ટમ્સમાં પણ મોખરે છે.

3. રશિયા:

સોવિયત સંઘના સમયથી જ રશિયા ડિફેન્સ માર્કેટમાં મોટો લીડર રહ્યું છે. વૈશ્વિક હથિયાર સપ્લાયમાં રશિયા 7 ટકા હિસ્સો ધરાવે છે. તે મુખ્યત્વે સુખોઈ અને મિગ શ્રેણીના ફાઈટર જેટ, ટેન્ક અને એર ડિફેન્સ સિસ્ટમ્સ સપ્લાય કરે છે.

4. ચીન:

ચીન દર વર્ષે આ ક્ષેત્રમાં પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે. વૈશ્વિક બજારમાં 6 ટકા હિસ્સા સાથે ચીન વાર્ષિક 5 અબજ ડોલરના હથિયારો વેચે છે. ચીન સસ્તા ડ્રોન, એન્ટી-શિપ અને જમીન પર માર કરનારી મિસાઈલો માટે જાણીતું છે.

5. જર્મની:

હથિયારોની નિકાસમાં જર્મની 5 ટકા હિસ્સો ધરાવે છે અને તેની વાર્ષિક આવક 4 અબજ ડોલર છે. જર્મની એડવાન્સ સબમરીન, આધુનિક ટેન્ક અને લેન્ડ સિસ્ટમ્સ આખા વિશ્વમાં મોકલે છે.


ઇઝરાયેલની વર્તમાન સ્થિતિ:

ઇઝરાયેલ હાલમાં વૈશ્વિક બજારમાં આશરે 3 ટકા હિસ્સો ધરાવે છે. સામાન્ય રીતે તેની વાર્ષિક સરેરાશ નિકાસ 3 અબજ ડોલર રહે છે, પરંતુ વર્ષ 2023માં આ આંકડો રેકોર્ડબ્રેક 13 અબજ ડોલર સુધી પહોંચ્યો હતો. ઇઝરાયેલ હાઇ-ટેક ડ્રોન, એન્ટી-મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ, પ્રિસિઝન ગાઈડેડ બોમ્બ અને સાયબર ડિફેન્સ ટૂલ્સમાં એક્સપર્ટ છે. નેતન્યાહૂનો આત્મનિર્ભરતાનો નવો પ્લાન ઇઝરાયેલને માત્ર સુરક્ષિત જ નહીં, પરંતુ ભવિષ્યમાં ટોપ ગ્લોબલ એક્સપોર્ટરની યાદીમાં ઘણું આગળ લઈ જઈ શકે છે.

આ પણ વાંચો:Skin Care: ત્વચા માટે વરદાન છે લીમડો: પિમ્પલ્સથી લઈને પિગ્મેન્ટેશન સહિતની આ 5 મોટી સમસ્યાઓથી અપાવશે કાયમી છુટકારો!


  • Follow us on: