પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં હજુ માંડ શાંતિની આશા બંધાઈ હતી ત્યાં જ ફરી એકવાર યુદ્ધનો ભયાનક 'પાર્ટ-2' શરૂ થઈ ગયો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે આખા વિસ્તારમાં જંગ રોકવા માટે થયેલી અસ્થાયી સીઝફાયર ડીલ હવે સંપૂર્ણપણે જોખમમાં આવી ગઈ છે. દક્ષિણ લેબનાનમાં ઈઝરાયેલ અને ઈરાન સમર્થિત સંગઠન હિઝબુલ્લાહ વચ્ચે રાતભર ભીષણ લડાઈ ચાલી છે. આ હિંસામાં ઈઝરાયેલના એક લેફ્ટનન્ટ કર્નલ સહિત 4 સૈનિકો માર્યા ગયા છે, જ્યારે ઈઝરાયેલના વળતા એરસ્ટ્રાઈકમાં લેબનાનના 18 સામાન્ય નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. સૌથી વધુ તબાહી ટાયર શહેરના હારૌફ ગામમાં થઈ છે, જ્યાં અત્યારે પણ અનેક લોકો કાટમાળ નીચે દબાયેલા હોવાની આશંકા છે.


અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સનો પ્રવાસ રદ

આ ભીષણ હિંસાની સીધી અસર આંતરરાષ્ટ્રીય રાજદ્વારી સ્તરે જોવા મળી છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સ્વિટ્ઝર્લેન્ડના ઓબબર્ગન જવાના હતા, જ્યાં ઈરાન સાથે આગામી સમયના સ્થાયી કરાર માટે વાતચીત થવાની હતી. પરંતુ ગુરુવારે રાત્રે અચાનક જ આ પ્રવાસ રદ કરી દેવાયો છે. અહેવાલો અનુસાર, ઈરાને ઈઝરાયેલના હુમલાના વિરોધમાં પોતાની ટીમ મોકલવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પણ આ સેરેમનીની યજમાની કરવાના હતા, પરંતુ હવે સમગ્ર મામલો લટકી પડ્યો છે.

અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ખુલ્લી તકરાર

આ ડીલને લઈને અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચેના સંબંધોમાં ભારે ખટાશ આવી ગઈ છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ઈઝરાયેલી નેતાઓની આકરી આલોચના કરતા કહ્યું છે કે, "ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયાના એકમાત્ર એવા નેતા છે જે ઈઝરાયેલ સાથે ઉભા છે, પરંતુ ત્યાંના નેતાઓ અમેરિકી મદદની કદર નથી કરી રહ્યા." બીજી તરફ રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ ઈઝરાયેલી પીએમ નેતન્યાહુને 'પાકા' (પાગલ) કહ્યા છે અને લેબનાન મામલે જવાબદારીપૂર્વક વર્તવાની ચેતવણી આપી છે. જો કે, ઈઝરાયેલના કટ્ટરપંથી મંત્રીઓ ઇતમાર બેન-ગ્વીર અને બેઝાલેલ સ્મોટ્રિચે નરકના દરવાજા ખોલવાની અને આખા લેબનાનને સળગાવી દેવાની ધમકી આપી છે. નેતન્યાહુએ સ્પષ્ટ કર્યું છે કે તેમની સેના લેબનાનની અંદર બનાવેલા 'સેફ્ટી ઝોન' માંથી પાછી નહીં હટે.

શું હતી અમેરિકા-ઈરાન ડીલ?

બુધવારે જ ફ્રાન્સના વર્સાય પેલેસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વચ્ચેના ડિનર દરમિયાન આ ડીલ સાઈન થઈ હતી. ટ્રમ્પનું કહેવું હતું કે વૈશ્વિક આર્થિક તબાહી અને મોંઘવારી રોકવા માટે આ કરાર જરૂરી હતો. ડીલ મુજબ, અમેરિકાએ ઈરાન પરથી આર્થિક પ્રતિબંધો અને નાકાબંધી હટાવી લીધી છે, જેના બદલામાં ઈરાન પોતાના પરમાણુ કાર્યક્રમને આંતરરાષ્ટ્રીય દેખરેખ હેઠળ નબળો કરવા તૈયાર થયું હતું. આ કરાર બાદ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી કરોડો બેરલ તેલનો સપ્લાય ફરી શરૂ પણ થઈ ગયો હતો, જેનાથી વૈશ્વિક બજારમાં તેલની કિંમતો ઘટવાની આશા હતી.

પરંતુ, હવે લેબનાન મોરચે ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચેની આ લડાઈ જો શાંત નહીં થાય, તો આગામી 60 દિવસમાં થનારી પક્કી ડીલ પહેલા જ મિડલ ઈસ્ટ ફરી એકવાર ભયાનક મહાયુદ્ધની આગમાં હોમાઈ જશે તે નક્કી દેખાઈ રહ્યું છે.

આ પણ વાંચો:Strait Of Hormuzનો રસ્તો આખરે ખુલ્યો,સમજૂતી બાદ પહેલા જ દિવસે કેટલા જહાજો પસાર થયા?

  • Follow us on: