ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી શાંતિ વાર્તાના બીજા રાઉન્ડમાં પણ કોઈ સફળતા મળી નથી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણને કારણે આ મંત્રણા પડી ભાંગી છે. ટ્રમ્પે તેમના ટોચના દૂતો સ્ટીવ વિટકોફ અને જરેડ કુશનરને ઈરાન સાથે વાતચીત કરવા માટે પાકિસ્તાનના ઈસ્લામાબાદ મોકલવાનો સાફ ઈનકાર કરી દીધો છે.
ટ્રમ્પનું આક્રમક વલણ
ફોક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં ટ્રમ્પે ઈરાનને જડબાતોડ જવાબ આપતા કહ્યું કે, "તેઓ (ઈરાનીઓ) જ્યારે ઈચ્છે ત્યારે અમને ફોન કરી શકે છે, પરંતુ અમે કોઈ દૂત મોકલીશું નહીં." બીજી તરફ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને શરત મૂકી છે કે જ્યાં સુધી અમેરિકા તેમના બંદરો પરથી નાકાબંધી નહીં હટાવે, ત્યાં સુધી કોઈ વાતચીત શક્ય નથી. આ વિવાદ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી પાકિસ્તાનના વડાપ્રધાન અને સેના પ્રમુખ સાથે મુલાકાત કરીને તેહરાન પરત ફર્યા છે.
ચીની કંપનીઓ પર તવાઈ
શાંતિ વાર્તામાં અવરોધની સાથે ટ્રમ્પ પ્રશાસને ઈરાન પર આર્થિક ભીંસ વધારવા માટે મોટા પગલાં લીધા છે. ઈરાની તેલના પરિવહનમાં સામેલ ચીનની મુખ્ય તેલ રિફાઈનરી અને અંદાજે 40 જેટલી શિપિંગ કંપનીઓ તથા ટેન્કરો પર આર્થિક પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે. ટ્રમ્પનું લક્ષ્ય ઈરાનની આવકના મુખ્ય સ્ત્રોત તેલ નિકાસને રોકવાનો છે.
વૈશ્વિક અસર
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા આ તણાવને કારણે જેટ ઈંધણના પુરવઠાને માઠી અસર પડી છે અને ભાવમાં તોતિંગ વધારો થયો છે. જેના કારણે વિશ્વભરની એરલાઈન્સ તેમની ફ્લાઈટ્સ રદ કરી રહી છે, જેની સીધી અસર મુસાફરો પર પડી રહી છે. દરમિયાન, ટ્રમ્પે ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચેના યુદ્ધવિરામને વધુ ત્રણ સપ્તાહ માટે લંબાવવાની જાહેરાત પણ કરી છે.
આ પણ વાંચો: Colombia: કોલંબિયામાં આતંકી હુમલો,પેન અમેરિકન હાઈવે પર બસને નિશાન બનાવી,બાળકો સહિત 13 લોકોના મોત