વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવની સીધી અસર હવે સામાન્ય માનવીના ખિસ્સા પર દેખાઈ રહી છે. ખાસ કરીને અમેરિકામાં પેટ્રોલના ભાવ આસમાને પહોંચ્યા છે. ફેબ્રુઆરીમાં યુદ્ધની શરૂઆત પહેલા જ્યાં એક ગેલન પેટ્રોલની કિંમત $2.98 હતી, તે હવે વધીને $4.02 પર પહોંચી ગઈ છે. અમેરિકી સરકારના મતે આ સ્થિતિમાં જલ્દી રાહત મળવાની શક્યતા ઓછી છે, સપ્ટેમ્બર સુધીમાં કિંમતો ઘટીને $3 થવાની આશા છે.


પરમાણુ કાર્યક્રમ અને નાકેબંધીનો વિવાદ

અમેરિકા અને ઈરાન વચ્ચેની મંત્રણા નિષ્ફળ રહી છે. અમેરિકાની સ્પષ્ટ માંગ છે કે ઈરાન પોતાનો પરમાણુ કાર્યક્રમ બંધ કરે, સંવર્ધિત યુરેનિયમ સોંપી દે અને હોર્મુઝની ખાડીને વ્યાપાર માટે સંપૂર્ણપણે ખુલ્લી મૂકે. બીજી તરફ, ઈરાન પોતાની શરત પર અડગ છે; તેનું કહેવું છે કે જ્યાં સુધી અમેરિકા આર્થિક નાકેબંધી ખતમ નહીં કરે ત્યાં સુધી કોઈ વાતચીત થશે નહીં.

દરિયામાં બિછાવેલી માઈન્સ બની મોટું જોખમ

મળતી માહિતી મુજબ, ઈરાને માર્ચ મહિનાથી જ હોર્મુઝના વિસ્તારમાં દરિયાઈ માઈન્સ (Mines) બિછાવવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા હુમલા કરવામાં આવ્યા, ત્યારે ઈરાને આ વ્યૂહાત્મક પગલું ભર્યું હતું. આના જવાબમાં અમેરિકાએ ઈરાની જહાજોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. અમેરિકી રક્ષા મંત્રી પીટ હેગસેથે ચેતવણી આપી છે કે તેમની સેના શંકાસ્પદ જહાજોને નષ્ટ કરી રહી છે.

વૈશ્વિક વ્યાપાર પર અસર

વચ્ચે થોડા સમય માટે યુદ્ધવિરામ થતા જહાજોની અવરજવર શરૂ થઈ હતી, પરંતુ તાજેતરમાં ઈરાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગ બાદ ફરી એકવાર ટ્રાફિક થંભી ગયો છે. નિષ્ણાતોનું માનવું છે કે જ્યાં સુધી સમુદ્રમાં માઈન્સ હટાવવામાં નહીં આવે, ત્યાં સુધી આ રૂટ પરથી જહાજો પસાર કરવા તે જીવનું જોખમ ખેડવા સમાન છે. આ સંકટને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ શકે છે.


આ પણ વાંચો: Pakistan Economy:પાકિસ્તાનીઓમાં ઈરાની રિયાલ ખરીદવાનું ઘેલું,સસ્તા રોકાણની લાલચમાં મોટું જોખમ કે નફો?

  • Follow us on: