વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં આવેલા એક અત્યંત શક્તિશાળી અને વિનાશક ભૂકંપે આખા દેશને ધ્રુજાવી દીધો છે. ભૂકંપના ઝટકા એટલા તીવ્ર હતા કે મિનિટોની અંદર આખું શહેર તબાહીના મંજરમાં ફેરવાઈ ગયું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ધરતી કોઈ નાવની જેમ ડોલી રહી હતી અને બહુમાળી ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ. સડકો પર અફરાતફરી અને ચીસાચીસનો માહોલ વ્યાપી ગયો હતો. આ આપત્તિને વેનેઝુએલાના ઇતિહાસમાં 1967માં આવેલા વિનાશકારી ભૂકંપ કરતાં પણ વધુ ભયાનક માનવામાં આવી રહી છે.


9મા માળેથી જીવ બચાવવા ભાગેલા વૃદ્ધ

કારાકાસની એક હાઈરાઈઝ બિલ્ડિંગના 9મા માળે રહેતા મેન્યુઅલ ગ્વેવારા બારોએ આ કમકમાટીભર્યા અનુભવને યાદ કરતા જણાવ્યું કે, તેમણે પોતાના જીવનમાં ક્યારેય આવી દયનિય સ્થિતિ જોઈ નથી. વર્ષ 1967ના ભૂકંપના તેઓ સાક્ષી રહ્યા છે, જેમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હતા. પરંતુ આજના ઝટકા તેનાથી ક્યાંય વધુ ડરામણા હતા. બારોએ મીડિયા સાથે વાત કરતા કહ્યું, "હું પુસ્તક વાંચી રહ્યો હતો ત્યારે અચાનક પૃથ્વી ધ્રૂજવા લાગી. ઝટકા એટલા જોરદાર હતા કે ઊભા રહેવું તો દૂર, કંઈ પકડી રાખવું પણ અશક્ય હતું. એવું લાગતું હતું જાણે સમય થંભી ગયો હોય. જોતજોતામાં વીજળી ગુલ થઈ ગઈ, પાણીની પાઈપો ફાટી ગઈ અને અંધારા કોરિડોરમાં પૂરની જેમ પાણી વહેવા લાગ્યું."

એવો અવાજ જે જિંદગીભર નહીં ભૂલાય!

પોતાનો જીવ બચાવવા સીડીઓ પરથી નીચે દોડી રહેલા લોકો કલ્પાંત કરી રહ્યા હતા. ઘણા લોકો આ આઘાત સહન ન કરી શકતા નર્વસ બ્રેકડાઉનનો ભોગ બન્યા હતા. સોશિયલ મીડિયા પર સામે આવેલા હૃદયકંપાવનારા વીડિયોમાં ઊંચી ઇમારતો પરથી પાણી ઉછળીને રસ્તાઓ પર પડતું દેખાય છે, જે કોઈ કયામત જેવું પ્રતીત થાય છે. અન્ય એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે એવો ભયાનક અવાજ આવ્યો જાણે ધરતી ચીરીને કોઈ રાક્ષસ ગર્જના કરી રહ્યો હોય.

ભૂકંપે વેનેઝુએલાને સ્મશાનમાં ફેરવ્યું!

યુએસજીએસ (USGS) ના પ્રારંભિક અંદાજ મુજબ, માત્ર 40 સેકન્ડ સુધી ચાલેલા આ ધરતીકંપમાં મૃતાંક 10,000 થી લઈને 1 લાખ સુધી પહોંચી શકે તેવી આશંકા છે. વેનેઝુએલાના કાર્યવાહક રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે રાષ્ટ્રજોગ સંબોધનમાં જાનહાનિની સત્તાવાર પુષ્ટિ કરી છે. હાલમાં આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. લોકો કાટમાળ નીચે ફસાયેલા પોતાના સ્વજનોને બચાવવા આશાભરી નજરે રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો:Fashion :હીલ્સ પહેર્યા વિના પણ દેખાશો લાંબા અને સ્ટાઇલિશ! નાની હાઇટ ધરાવતી છોકરીઓ માટે ફેશન હેક્સ


  • Follow us on: